લંડનઃ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના વતી લડતા લડતા શહીદી વહોરનાર ભારતીય સૈનિકોને કેમ્બ્રિજ ખાતે આયોજિત એક સમારોહમાં શ્રદ્ધાંજલિ અપાઇ હતી. બંને વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના મહત્વના યોગદાનને બિરદાવવાનો બ્રિટિશ સરકાર દ્વારા પ્રયાસ કરાયો હતો.
કેમ્બ્રિજ સિટી કાઉન્સિલ દ્વારા આયોજિત સમારોહમાં ભારતીય સૈનિકોની બહાદૂરી અને બલિદાનોને યાદ કરાયાં હતાં. કેમ્બ્રિજના મેયર બૈજુ થિટ્ટલા દ્વારા આ સમારોહનું આયોજન કરાયું હતું. બૈજુ ભારતના કોટ્ટયમના મૂળ વતની છે.
કેમ્બ્રિજના સેન્ટ મેરી ચર્ચ ખાતે શહીદ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રાર્થનાસભાના આયોજનથી કાર્યક્રમની શરૂઆત કરિ હતી. ત્યારબાદ ગિલ્ડ હોલ ખાતે ભારતીય સૈનિકોના મહત્વના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
આ પ્રસંગે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ કેમ્બ્રિજશાયર, ભારત – પાકિસ્તાન – બાંગ્લાદેશ અને નેપાળના રાજદ્વારીઓ, એલીના બિશપ, લંડનના મેયર સાદિક ખાન, કેમ્બ્રિજના રેસિડેન્ટ જજ, લોર્ડ મેયરો, ભારતની રાજકીય પાર્ટી કોંગ્રેસના પ્રતિનિધિઓ, ભારતીય નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રતિનિધિઓ સહિત ભારતીય સમુદાયના લોકો હાજર રહ્યાં હતાં.