લંડનઃ વિશ્વના સૌથી ઊંચા શ્વાન તરીકેનો રેકોર્ડ ધરાવતા ફ્રેડીએ હવે તેની પ્રજાતિમાં સૌથી વધુ આયુષ્યનો વિશ્વવિક્રમ પણ પોતાના નામે કર્યો છે. કદાવર શરીર માટે જાણીતા જર્મનીની ગ્રે ડાન પ્રજાતિનો ફ્રેડી તેના પાછલા પગ પર ઊભો રહે તો તે સાત ફૂટથી પણ ઊંચો જોવા મળે છે. તેની ઊંચાઈ ૨.૩ મીટરની છે. આ સાથે જ વિશ્વના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા શ્વાનનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તેણે પોતાના નામે કર્યો છે. નોર્થફ્લોકના વ્હિટીંગમાં રહેતા ક્લેર સ્ટોનમેને ફ્રેડીને પાળ્યો છે.
ગયા મહિને આયુષ્યના આઠ વર્ષ પૂરાં કર્યા તે સાથે જ ફ્રેડી તેની પ્રજાતિનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો શ્વાન બન્યો હતો. ફ્રેડીના આઠમા બર્થડેની ભવ્ય ઊજવણી કરાઈ હતી અને ક્લેરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
ક્લેર કહે છે કે લોકો ફ્રેડીને જોઈને ડરે છે તો કેટલાકને કૂતુહલ પણ થાય છે. આથી અમે તેને વહેલી સવારે ફરવા લઈ જઈએ છીએ, જેથી તે લોકોની નજરે ખાસ ન ચઢે. કેટલાક લોકો તો તેને ઘોડા સાથે સરખાવે છે. ફ્રેડી દેખાવમાં વિશાળકાય અને વિકરાળ ભલે લાગે, પરંતુ સ્વભાવે પ્રેમાળ છે. તે માત્ર ક્લેરને જ નહીં, ક્લેરના મિત્રો અને પરિવારજનોને પણ ઉમળકાભેર વળગી પડે છે.