લંડનઃ વેલ્સ સરકાર રાજકીય નેતાઓના જુઠ્ઠું બોલવા પર પ્રતિબંધ લાદતો કાયદો ઘડશે. વેલ્સની લેબરના નેતૃત્વ હેઠળની સરકારના કાઉન્સેલ જનરલ માઇક એન્ટોનિવે જણાવ્યું હતું કે, જો રાજકીય નેતા જુઠ્ઠું બોલવાનો દોષી માલૂમ પડશે તો તે સેનેડ્ડ અને હાઉસ માટે ઉમેદવારી કરવામાં અયોગ્ય જાહેર કરી દેવાશે.
ચર્ચા દરમિયાન લેબર સભ્ય એલુન ડેવિસે વેલ્સના ટોરી નેતા એન્ડ્રુ આરટી ડેવીસ પર સોશિયલ મીડિયામાં જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. એન્ડ્રુએ એવો દાવો કર્યો હતો કે સર કેર સ્ટાર્મરની પાર્ટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પ્રતિ માસ 1600 પાઉન્ડ ચૂકવવા ઇચ્છે છે. આ જુઠ્ઠાણાના કારણે રાજનીતિ ગટરમાં ગરકાવ થઇ ગઇ છે અને અમે વાસ્તવિક રાજકીય ચર્ચાઓમાં ભાગ લઇ શક્તાં નથી.
વેલ્સમાં 2026માં ચૂંટણી યોજાય તે પહેલાં આ કાયદો સેનેડ્ડમાં રજૂ કરાશે. આ કાયદા અંતર્ગત જુઠ્ઠું બોલનાર રાજકીય નેતા સામે સ્વતંત્ર ન્યાયિક પ્રક્રિયા હાથ ધરાશે.