લંડનઃ વેલ્સમાં અભ્યાસ કરવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મકાન ન મળવાના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં જ સૂઇ રહેવાની ફરજ પડી રહી છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓની નજીકના વિસ્તારોમાં પોષાય તેવા ભાડામાં મકાન મળી રહ્યાં નથી. તેના કારણે તેઓ દિવસે કોલેજમાં અભ્યાસ કરવા અને રાત્રે કેમ્પસમાં જ સૂઇ રહેવા મજબૂર બની રહ્યાં છે.
બેન્ગોર યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના નિદા એમ્બ્રીન કહે છે કે કેટલાક વિદ્યાર્થીઓ આવવા જવાનો ખર્ચ બચાવવા માટે યુનિવર્સિટીના સ્ટડી સ્પેસમાં જ રાત ગુજારી રહ્યાં છે. જોકે વેલ્સની યુનિવર્સિટીઓ કહે છે કે અમે જો કોઇ વિદ્યાર્થી મુશ્કેલીમાં હશે તો તેને મદદ કરીશું.
એમ્બ્રીને જણાવ્યું હતું કે, ઘણા પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે બ્રિટન આવી રહ્યાં છે તેના કારણે તેમને યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાની પરવાનગી અપાતી નથી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઓફિસરે જણાવ્યું હતતું કે, બેન્ગોરમાં મોટાભાગના મકાન ફક્ત સ્ટુડન્ટને અપાય છે તેના કારણે પરિવાર સાથે આવતા સ્ટુડન્ટ્સને માન્ચેસ્ટર અથવા તો લીવરપુલમાં રહેવાની ફરજ પડી રહી છે.