લંડનઃવેસ્ટ લંડન પોસ્ટ ઓફિસની હંન્સલો બ્રાન્ચમાં ગત વર્ષની પહેલી એપ્રિલે 136,000 પાઉન્ડની લૂંટ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. સશસ્ત્ર લૂંટારો રાજવિન્દર ખોલાન શાખાની વાડ કૂદવા જતા ઈજા સાથે લોહીલુહાણ થયો હતો જેને પકડી લેવાયો હતો. રસપ્રદ બાબત એ છે કે લૂંટારાઓ એક જ પરિવાર અને પોસ્ટ ઓફિસના વર્કર્સ જ હોવાનું બહાર આવ્યું હતું.
આ પ્લોટમાં સામેલ બે મહિલા વર્કરે જણાવ્યું હતું કે 50,000 પાઉન્ડ લૂંટનાર વ્યક્તિએ તેમની સામે પિસ્તોલ રાખી ધમકી આપી હતી. જોકે, ઓડિટમાં ગુમ થયેલી રકમ 136000 પાઉન્ડ હોવાનું બહાર આવ્યું હતું. ખાલોન બ્રાન્ચના માલિક સુખવીર ધીલોન સાથે નિયમિત સંપર્કમાં હતો અને તેની સાથેનો સ્ટોર પણ ખાલોનના કઝિનનો હતો. રમનદીપ ધીલોન અને સુનાવર ધીલોન પણ તે સમયે બ્રાન્ચમાં કામ કરતા હતા. આ ઉપરાંત, મનદીપ ગીલને પણ આ લૂંટના કાવતરાંની જાણકારી હતી.
આઈઝલવર્થ ક્રાઉન કોર્ટમાં 27 માર્ચ બુધવારે રાજવિન્દર ખોલાન, સુખવીર ધીલોન, રમનદીપ ધીલોન, સુનાવર ધીલોનને પોસ્ટ ઓફિસમાં ચોરી, ન્યાયને ગેરમાર્ગે દોરવા અને મની લોન્ડરિંગના આરોપોમાં અપરાધી ગણાવાયા હતા.