લંડનઃ કોરોના વાઇરસના સંખ્યાબંધ વેરિઅન્ટ સામે રોગ પ્રતિકારક શક્તિ વિકસાવી શકે તેવી વેક્સિન ટેકનોલોજી વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને અમેરિકાના કેલિફોર્નિયાની કેલટેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પ્રોએક્ટિવ વેક્સિનોલોજીનો નવો અભિગમ તૈયાર કર્યો છે જેથી રોગચાળો કે મહામારી ફાટી નીકળે તે પહેલાં જ વેક્સિન તૈયાર કરી શકાય. આ ટેકનોલોજીની મદદથી ભવિષ્યમાં આવનારા કોરોના વેરિઅન્ટની વેક્સિન પણ પહેલેથી તૈયાર કરી શકાશે.
આ ટેકનોલોજીનો પ્રયોગ ઉંદર પર કરાયો હતો. જેમાં ઇમ્યુન સિસ્ટમને હાલ ચામાચિડિયામાં મળી આવતા અને ભવિષ્યમાં માનવીને રોગગ્રસ્ત કરી શકે તેવા કોરોના વાઇરસને ઓળખી કાઢવાની તાલીમ મળે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ રિસર્ચર રોરી હિલ્સે જણાવ્યું હતું કે, અમે એવી વેક્સિન તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ જે ભવિષ્યની કોરોના મહામારીથી માનવ જાતને બચાવી શકે. મહામારી શરૂ થાય તે પહેલાં જ વેક્સિન તૈયાર કરી શકાશે.
અમે અત્યારે એવી વેક્સિન તૈયાર કરી છે જે હજુ સુધી આપણે જાણતા નથી તેવા કોરોના વાઇરસના વેરિઅન્ટ સહિતના અન્ય વેરિઅન્ટ સામે રક્ષણ આપી શકે છે. આ વેક્સિનમાં સંશોધકોએ ક્વારટેટ નેનોકેજ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેકનોલોજી વિવિધ પ્રકારના કોરોના વાઇરસની ઓળખ કરવામાં ઇમ્યુન સિસ્ટમને મદદ કરે છે.