વ્યથિત (મહારાણી) દાદીમાનાં આશીર્વાદઃ જ્યાં પણ રહો, સુખી રહો - ખુશ રહો

Tuesday 14th January 2020 11:48 EST
 
 

લંડનઃ બ્રિટિશ તાજના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલ દ્વારા શાહી પરિવાર છોડી સ્વતંત્ર જીવન જીવવાની જાહેરાત સાથે મોટો આંચકો અપાયો તેના પગલે ઉપાય શોધવા ક્વીનના સાન્ડ્રિંઘામ હાઉસ નિવાસે સોમવારે બે કલાક લાંબી બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં હેરી-મેગન સ્વતંત્ર જીવન જીવશે તેમજ યુકે અને કેનેડામાં સમય વીતાવશે તે મુદ્દે ૯૩ વર્ષના ક્વીન અને પરિવારના સભ્યોએ આખરે સંમતિ દર્શાવી હતી. ક્વીને પૌત્ર હેરી અને તેની પત્ની મેગનના શાહી પરિવારના સીનિયર સભ્યો તરીકે જવાબદારી છોડવાના નિર્ણયથી પોતે અત્યંત દુઃખી થયાં હોવાનું પણ જણાવ્યું છે. હેરી - મેગન સંપૂર્ણ સ્વતંત્ર ન થાય ત્યાં સુધીના સમયમાં તેમની સત્તાવાર શાહી ફરજોનું પ્રમાણ અત્યંત ઘટાડી દેવામાં આવનાર છે. ક્વીને દંપતીના ભાવિ જીવનનું સમયપત્રક ઝડપથી તૈયાર કરવાનો આદેશ પણ દરબારીઓને આપી દીધો છે. 

આ ગંભીર બેઠકમાં ક્વીન ઉપરાંત, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી હાજર રહ્યા હતા. જોકે, અગાઉ નિશ્ચિત કરાયું હતું તેનાથી વિપરીત મેગન મર્કલને મંત્રણામાં વાનકુવરથી કોન્ફરન્સ કોલ દ્વારા સામેલ કરવા દેવાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે બેઠક અગાઉ પ્રિન્સ હેરીએ દાદીમા ક્વીન સાથે અલગથી મુલાકાત કરી હતી. ક્વીનનું નિવેદન મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું.
ક્વીને કટોકટી નિવારણ બેઠક અગાઉ પૌત્ર પ્રિન્સ હેરી સાથે અંગત મુલાકાત કરી હતી, જેમાં હેરીએ દિલ ખોલીને પોતાના નિર્ણય પાછળના કારણોની રજૂઆતો કરી હતી. ક્વીન વ્યથિત હૃદયે હેરીના નિર્ણય સાથે સંમત થયાં હતાં. તેમણે નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની પસંદગી તો દંપતી પૂર્ણકાલીન શાહી ભૂમિકા ભજવે તેવી જ હતી. પરિવારથી અલગ સ્વતંત્ર જીવનના હેરી-મેગનનાં નિર્ણયથી ડહોળાયેલાં વાતાવરણમાંથી બહાર આવવાનો માર્ગ શોધવા ક્વીને સાન્ડ્રિંઘામ હાઉસ નિવાસે યોજેલી ગંભીર બેઠકમાં પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ પણ હાજર રહ્યા હતા. પ્રિન્સ ફિલિપ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ, ક્વીનને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છે. ગુપ્ત પારિવારિક બેઠક હોવાથી વાતચીતની જાણ બહાર ન થાય તે કારણે મેગનને કોન્ફરન્સ કોલ દ્વારા બેઠકમાં હાજરી આપવાથી બાકાત રખાઈ હતી. ઉલ્લેખનીય છે કે મેગન તેમના બાળક આર્ચી સાથે કેનેડામાં છે. બે કલાકની બેઠક પછી પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી અલગ અલગ કારમાં નોર્ફોક એસ્ટેટથી રવાના થઈ ગયા હતા.
ક્વીને જણાવ્યું હતું કે હેરી અને મેગનનાં ભાવિ સ્વતંત્ર નાણાકીય જીવન વિશે વિસ્તૃત રુપરેખા ઘડવી આવશ્યક છે. દંપતીના ભાવિ ભંડોળ વિશે ઉપાય શોધવા ક્વીને આદેશ આપ્યો છે. આના પરિણામે, તેમની કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર અંકુશ આવવાની પણ શક્યતા છે. સૂત્રોના જમાવ્યા અનુસાર હેરીને પારિવારિક ખર્ચા પૂરા કરવા માટે ડચી ઓફ કોર્નવોલમાંથી નાણાકીય સહાયની જરૂર રહેશે આથી આ બાબત હજુ પૂર્ણ થઈ જતી નથી તેમ પ્રિન્સ ચાર્લ્સે જણાવ્યું હતું. હેરી પાસે મર્યાદિત સ્રોતો હોવાની તેમને અને હેરીને જાણ છે. પ્રિન્સ ચાર્લ્સે હેરીના લગ્ન, ફ્રોગમોર કોટેજની સજાવટ સહિતના ખર્ચા કરેલા છે.

ક્વીનનું નિવેદન શું કહે છે?

બ્રિટિશ મહારાણીએ નિવેદનમાં જણાવ્યું છે કે મારાં પૌત્ર અને તેના પરિવારના ભાવિ સંબંધે મારાં પરિવારમાં રચનાત્મક ચર્ચા થઈ હતી. યુવા પરિવાર તરીકે નવા જીવનના આરંભની હેરી અને મેગનની ઈચ્છાનું મારો પરિવાર અને હું સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ. હેરી અને મેગને સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના નવા જીવનમાં જાહેર ભંડોળ પર નિર્ભર રહેવાં ઈચ્છતાં નથી. આથી એવી સંમતિ સધાઈ છે કે ટ્રાન્ઝીશન પીરિયડમાં સસેક્સીઝ તેમનો સમય કેનેડા અને યુકેમાં વીતાવશે. મારાં પરિવાર માટે આ જટિલ બાબતો ઉકેલવામાં થોડો સમય લાગશે પરંતુ, આગામી દિવસોમાં આખરી નિર્ણયો લેવાની મેં સૂચના આપી છે.’ નિવેદન વધુમાં જણાવે છે કે,‘ તેઓ રોયલ ફેમિલીના પૂર્ણકાલીન સભ્યો બની રહે તેમ અમારી પસંદગી હોવાં છતાં મારાં પરિવારના મૂલ્યવાન સભ્યો બની રહેવા સાથે પરિવાર તરીકે વધુ સ્વતંત્ર જીવન જીવવાની તેમની ઈચ્છાને અમે સમજીએ છીએ અને આદર કરીએ છીએ.’ પ્રિન્સેસ ડાયેનાનું ૧૯૯૭માં મૃત્યુ થયા પછી ક્વીને પ્રથમ વખત અંગત બુલેટીન જારી કર્યું છે.
પ્રિન્સ હેરીએ પોતાના નિર્ણય પાછળ મોટા ભાઈ વિલિયમની જોહુકમી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે અને તેનાથી પ્રિન્સ વિલિયમ રોષિત છે. બીજી તરફ, પિતા પ્રિન્સ ચાર્લ્સ પણ હેરીના નિર્ણયથી નારાજ છે તે સંજોગોમાં મહારાણી માટે હેરી અને મેગનનો નિર્ણય આઘાતજનક હોવાં છતાં તેઓ કટોકટીમાંથી બહાર આવી ડોલતી નૌકાને સ્થિર કરવાનો અને પરિવારમાં સંપ હોવાનું દર્શાવવાં દેખીતો પ્રયાસ કરી રહ્યાં છે. ક્વીનનાં નિવેદનમાં નાણાકીય સ્વતંત્રતાની હેરી અને મેગનની મહત્ત્વાકાંક્ષાનો સ્વીકાર કરી લેવાયો છે અને તેમની સસેક્સ બ્રાન્ડના ભાગરુપે કોમર્શિયલ ડીલ્સ કરવાની છૂટ અપાઈ હોવાનું મનાય છે. નિષ્ણાતો આ બ્રાન્ડનું મૂલ્ય ૪૦૦ મિલિયન પાઉન્ડ હોવાનું જણાવે છે.

(વિશેષ અહેવાલ માટે વાંચો ગુજરાત સમાચાર અંક ૧૮ જાન્યુઆરી ૨૦૨૦ - પાન ૩-૪-૧૬-૧૭)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter