લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાયો હોવા છતાં મોર્ગેજના દરમાં વધારો થઇ રહ્યો છે., બે વર્ષની ફિક્સ્ડ ડીલના મોર્ગેજના સરેરાશ દર 5.5 ટકા પર પહોંચી ગયાં છે. તાજેતરના દિવસોમાં બાર્કલે, એચએસબીસી, નેટવેસ્ટ અને નેશનવાઇટ સહિતના મુખ્ય લેન્ડર્સે નવી ફિક્સ્ડ ડીલ્સ માટેના દરોમાં વધારો ઝીંકી દીધો છે.
કેટલાંક ટ્રેકર અને વેરિએબલ મોર્ગેજ રેટ પણ બેન્કના બેઝ રેટ સુધી પહોંચી ગયાં છે. જોકે દેશમાં દર 10માંથી 8 મોર્ગેજધારકો ફિક્સ્ડ રેટ ડીલ્સ ધરાવે છે.
7 નવેમ્બરે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે બેઝ રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરતાં તે 5 ટકા પરથી 4.75 ટકા પર આવી ગયો હતો. એક મોર્ગેજ બ્રોકરના જણાવ્યા અનુસાર ચાન્સેલર દ્વારા રજૂ કરાયેલા બજેટના કારણે કામમાં અવરોધ સર્જાતાં આમ થઇ રહ્યું છે. તેમણે કરેલી ખર્ચની કેટલીક જોગવાઇઓના કારણે મોંઘવારી વધી શકે છે જેના માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ફરી વ્યાજદરમાં વધારો કરવો પડી શકે છે. બેન્કના ગવર્નર જણાવી ચૂક્યાં છે કે વ્યાજદરમાં તબક્કાવાર ઘટાડો થતો રહેશે પરંતુ તે ઝડપથી થશે તેવી આશા રાખવાની જરૂર નથી.
લેન્ડર્સ વ્યાજદરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ ભવિષ્યમાં વ્યાજદર અને ફાઇનાન્સિયલ માર્કેટની શું સ્થિતિ રહેશે તેના આધારે મોર્ગેજ દરો નક્કી કરતાં હોય છે.