લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગયા સપ્તાહમાં ફુગાવાનો દર તેના લક્ષ્યાંક 2 ટકા કરતાં નીચે આવી જતાં મુખ્ય વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરતાં હવે વ્યાજદર પાંચ ટકાથી ઘટીને 4.75 ટકા પર આવી ગયો છે. છેલ્લા 3 મહિનામાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં બે વાર ઘટાડો કરાયો છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, વ્યાજદરોમાં તબક્કાવાર ઘટાડો થાય તેવી સંભાવના છે. જો કે વ્યાજદરોમાં ઝડપી અને મોટા ઘટાડાની આશા રાખી શકાય નહીં. હવે વ્યાજદર નીતા રહેવાની દિશાનો પ્રારંભ થયો છે. મેં તબક્કાવાર ઘટાડાની વાત કરી કારણ કે વૈશ્વિક અને ઘરેલુ સ્તરે હજુ જોખમ યથાવત છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાતાં લોન અને ક્રેડિટ કાર્ડ ચાર્જ પર અસર થવાની સંભાવના નકારી શકાય નહીં. જો મની લેન્ડર કંપનીઓ અને બેન્કો આ વ્યાજદર ઘટાડાનો લાભ ગ્રાહકોને આપશે તો એક મિલિયન કરતાં વધુ મોર્ગેજ લેનારા ગ્રાહકોની માસિક ચૂકવણીમાં ઘટાડો થઇશકે છે. જોકે મોર્ગેજના દરો હજુ ઘણા ઊંચા છે. બે વર્ષના ફિક્સ્ડ મોર્ગેજ પર 5.4 ટકા અને પાંચ વર્ષની ડીલ પર સરેરાશ 5.11 ટકા મોર્ગેજ દર ચાલી રહ્યો છે.
તેવી જ રીતે વ્યાજદરમાં ઘટાડાના કારણે બેન્કોમાં કરાતી બચત પર મળતું વળતર ઘટવાની સંભાવના છે. હાલમાં બેન્કોની બચત પર સરેરાશ 3 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે.
ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, વ્યાજદરમાં ઘટાડો લાખો પરિવારો માટે સારા સમાચાર છે. શેડો ચાન્સેલર મેલ સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, વ્યાજદરમાં ઘટાડો આવકાર્ય છે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારે ફુગાવાનો દર ઘટાડવા માટે લીધેલાં પગલાંને કારણે લેબર સરકાર અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરમાં ઘટાડો કરી શક્યાં છે.
ઓક્ટોબરમાં મકાનોની કિંમત રેકોર્ડ હાઇ પર પહોંચી
લંડનઃ ઓક્ટોબર 2024માં યુકેમાં મકાનની સરેરાશ કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી છે. એક સરેરાશ મકાનની કિંમત હવે 2,93,999 પાઉન્ડ પર પહોંચી છે જે જૂન 2022માં 2,93,507 પાઉન્ડ હતી. ત્યારબાદ મકાનની કિંમતમાં દર મહિને સરેરાશ 0.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. મકાનોની કિંમતમાં થઇ રહેલો વધારો ઘણા માટે આશ્ચર્યજનક છે. મોર્ગેજ રેટ સરેરાશ બનતાં માર્કેટ એક્ટિવિટીમાં વધારો થઇ રહ્યો છે.