લંડનઃ યુકેમાં શરાબ સેવનના કારણે થતાં મોતની સંખ્યા વિક્રમજનક સ્તર પર પહોંચી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર શરાબ સેવનના કારણે થતા મોતની સંખ્યા સતત ચોથા વર્ષે રેકોર્ડ સ્તરે નોંધાઇ હતી.
નિષ્ણાતોએ જણાવ્યું છે કે ગંભીર બની રહેલી આરોગ્ય કટોકટી પર નિયંત્રણ માટે સરકારે સંખ્યાબંધ પગલાં લેવાં જોઇએ. સરકારે શરાબની કિંમતમાં વધારાની સાથે સાથે જાહેરાતો પર નિયંત્રણ લાદી આરોગ્યલક્ષી ચેતવણીઓ જારી કરવી જોઇએ.
વર્ષ 2023માં શરાબ સેવનના કારણે થતી બીમારીઓને પગલે 10,473 મોત નોંધાયાં હતાં. જે તેના અગાઉના વર્ષ કરતાં 4 ટકાનો વધારો દર્શાવે છે. શરાબ સેવનના કારણે વર્ષ 2022માં 10048 મોત થયાં હતાં. 2019ની સરખામણીમાં 2023માં શરાબ સેવનના કારણે થતાં મોતમાં 38 ટકાનો વધારો થયો હતો.
આલ્કોહોલ હેલ્થ એલાયન્સના ચેરમેન પ્રોફેસર સર ઇયાન ગિલમોરે જણાવ્યું હતું કે, શરાબ સેવનના કારણે વધતાં મોતનું કારણ સસ્તો અને સરળતાથી મળતો આલ્કોહોલ અને તે માટેનું આક્રમક માર્કેટિંગ જવાબદાર છે. સરકારે સમગ્ર દેશમાં આલ્કોહોલ ટ્રીટમેન્ટ સેવાઓમાં વધુ રોકાણ કરવું જોઇએ.
બ્રિટિશ ભારતીયો અને સાઉથ એશિયન સમુદાયોમાં પણ શરાબ સેવનનું ઊંચુ પ્રમાણ જોવા મળી રહ્યું છે. વંશીય સમુદાયોના લોકો પણ શરાબ સેવન કરી રહ્યાં છે તેથી શરાબને સંબંધિત બીમારીઓના શિકાર બની રહ્યાં છે.