લંડનઃ શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીના પ્રત્યર્પણ માટેના ભારત સરકારના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. ભંડારીના પ્રત્યર્પણને મંજૂરી આપવાનો ઇનકાર કરતા પોતાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવાની પરવાનગી આપવાનો યુકે હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે.
2016માં ભારત છોડીને લંડનમાં વસવાટ કરી રહેલા સંજય ભંડારીને પરત લાવવા માટે હવે નવી દિલ્હી યુકેની અદાલતોમાં કોઇ અપીલ કરી શકે તેમ નથી. ભંડારીના બેરિસ્ટર એડવર્ડ ફિઝજેરાલ્ડે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં અપીલની પરવાનગી માગતી ભારત સરકારની અરજી હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવતાં અમને મોટી રાહત મળી છે. હાઇકોર્ટની મંજૂરી ન હોવાના કારણે હવે ભારત સરકાર નવી કોઇ અપીલ કરી શક્તી નથી. હવે સંજય ભંડારીના પ્રત્યર્પણ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. હવે તે લંડનમાં શાંતિથી જીવન વીતાવી શકશે.
28 ફેબ્રુઆરી 2025ના રોજ યુકે હાઇકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કરી દીધો હતો. લોર્ડ જસ્ટિસ હોલરોયડ અને જસ્ટિસ સ્ટેને ચુકાદામાં જણાવ્યું હતું કે, દિલ્હીની તિહાર જેલમાં ભંડારી પર જોખમ રહેલું છે અને ભારતમાં તેમને ન્યાય મળી શકે તેમ નથી.
ભંડારી પર ભારતમાં આવકવેરા રિટર્નમાં રૂપિયા 665 કરોડની વિદેશી આવક અને સંપત્તિ જાહેર નહીં કરીને રૂપિયા 197 કરોડની ટેક્સ ચોરી કરવા અને મની લોન્ડરિંગના આરોપ મૂકાયા છે.