શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધઃ ઉનાળુ પરીક્ષાઓ સામે પ્રશ્નાર્થ

Wednesday 06th January 2021 06:23 EST
 
 

લંડનઃ સેકન્ડ ટર્મમાં પણ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખુલશે કે નહિ તેની અવઢવ હવે પૂરી થઈ છે. બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં જાહેર કરેલા નવા નેશનલ કોરોના વાઈરસ લોકડાઉનના નિયમો હેઠળ શાળાઓ અને કોલેજોને મધ્ય ફેબ્રુઆરી સુધી બંધ રાખવા જણાવી દેવાયું છે. શાળાઓ બંધ રહેવા છતાં, નર્સરીઝ અને સ્પેશિયલ સ્કૂલ્સ જેવાં પ્રારંભિક શાળાવર્ગોને લોકડાઉન દરમિયાન ખુલ્લાં રાખવા પરવાનગી અપાશે. પોતાના બાળકોને શાળાએ મોકલવા પેરન્ટ્સને કરેલા અનુરોધના માત્ર એક દિવસ પછી વડા પ્રધાને જાહેર કરેલા લોકડાઉન નિયંત્રણો અને શાળાબંધી ૧૫ ફેબ્રુઆરીથી શરુ થનારી હાફ ટર્મ સુધી રહે તેવી ધારણા છે.

પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સના લાખો વિદ્યાર્થીઓએ રીમોટ એટલે કે ઓનલાઈન અભ્યાસમાં પરોવાયેલાં રહેવું પડશે. જોકે, માત્ર નિરાધાર બાળકો તેમજ ચાવીરુપ વર્કર્સના બાળકોને શાળામાં રુબરુ હાજરી આપવાની છૂટ મળશે. બીજી તરફ, વડા પ્રધાન જ્હોન્સન કોવિડ-૧૯ સંક્રમણ દરને અંકુશમાં લાવવાનો પ્રસાસ કરી રહ્યા છે ત્યારે યુનિવર્સિટી સ્ટૂડન્ટ્સને પણ કેમ્પસીસમાં પરત ફરવા નહિ દેવાય અને ઘરમાં રહીને ઓનલાઈન અભ્યાસ કરવા જણાવાશે.

વિદ્યાર્થીઓના અભ્યાસમાં ધરખમ અવરોધ સર્જાયો છે તેનો અર્થ એ પણ કરી શકાય કે વિદ્યાર્થીઓ સામાન્યપણે મે અને જૂન મહિનામાં GCSEs અને A-levelની પરીક્ષાઓ આપે તેવી યોજના વિશે સરકારને ફેરવિચારણા કરવી પડશે. જોકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એક્ઝામ રેગ્યુલેટર Ofqual સુધારાવધારા સાથે પરીક્ષા કાર્યક્રમની વિગતો ઘડવામાં લાગ્યા હોવાથી વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સ માટે આગામી થોડાં સપ્તાહ ચિંતાજનક બની રહેશે.

વડા પ્રધાન જ્હોન્સને રાષ્ટ્રજોગ સંબોધનમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે  રોગના ફેલાવાને અટકાવવા આપણે શક્ય તમામ પગલાં લઈ રહ્યા હોવાં છતાં, સરકાર પાસે કઠોર કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. આ પગલાંના કારણે લાખો પેરન્ટ્સને ભારે મુશ્કેલી અને અગવડ સહન કરવાની થશે અને આનો અર્થ એ પણ છે કે આ ઉનાળામાં સામાન્યપણે લેવાતી તમામ પરીક્ષાઓ માટે આગળ વધવાનું શક્ય નથી અને વાજબી પણ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter