લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની વિનંતીથી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની આ મુલાકાત ૧૪ ઓક્ટોબરથી પાંચ દિવસ એટલે કે ૧૮ ઓક્ટોબર સુધી હશે જેની વિસ્તૃત વિગતો જાહેર કરાઈ નથી. શાહી દંપતીએ અત્યાર સુધી લીધેલી મુલાકાતોમાં પાકિસ્તાનનો પ્રવાસ પ્રથમ અને સૌથી જટિલ બની રહેશે.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે આ મુલાકાત બ્રિટન અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક સંબંધોના હિસ્સારુપ હોવાં સાથે વર્તમાન પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હશે. આ મુલાકાત ૧૦૦૦ કિલોમીટરથી વધુ અંતરને આવરી લેશે અને તેમાં ઈસ્લામાબાદ, લાહોર તેમજ દેશની ઉત્તરે પર્વતીય વિસ્તાર અને પશ્ચિમી સરહદી પ્રદેશોનો સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ ૨૦૦૬માં પાકિસ્તાનની મુલાકાત લીધા પછી શાહી પરિવાર દ્વારા આ પ્રથમ સત્તાવાર મુલાકાત બની રહેશે.
શાહી દંપતી યુવાન લોકોને સશક્ત બનાવતા કાર્યક્રમો તેમજ તેઓને જીવનમાં શ્રેષ્ઠ સંભવિત આરંભ મળે તેની ચોકસાઈમાં મદદ કરતી સંસ્થાઓની મુલાકાત લેશે. શાહી વર્તુળો દ્વારા જણાવાયું છે કે સલામતીના કારણોસર શાહી દંપતીનું પ્રવાસ સમયપત્રક જાહેર કરાયું નથી અને તેમની મુલાકાતની વિગતો દરરોજ જાહેરાત કરવામાં આવશે.