લંડનઃ ડરહામ અને સેન્ટ એન્ડ્રુઝ સહિત 44 યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ અને લેક્ચરર્સે એક્ઝામ પેપર્સ તપાસવાનો બહિષ્કાર કરવાની ધમકી આપતા હજારો વિદ્યાર્થીઓનું આ વર્ષે ગ્રેજ્યુએટ થવાનું ભાવિ અંધકારમય જણાય છે. ઓછાં વેતનો, વર્કલોડ્સ, પેન્શન પેકેજ અને સમાનતાની નિષ્ફળતા સહિતની સમસ્યાઓના સંદર્ભે ટીચિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રાઈક એક્શનની ધમકી પણ અપાયેલી જ છે.
યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન (UCU) દ્વારા કાર્યવાહીની જાહેરાત ગત સપ્તાહે કરાઈ હતી અને 23 મેથી તેની શરૂઆત થવાની છે. UCUના જનરલ સેક્રેટરી જો ગ્રાડીએ કહ્યું હતું કે ઘટી રહેલાં વેતનો, વધતા કાર્યબોજના કારણે યુનિવર્સિટી સ્ટાફ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં રહેવાનું વિચારી શકે નહિ. અસુરક્ષિત કોન્ટ્રાક્ટ્સ અને સમાનતાની આંચકાજનક નિષ્ફળતાનું નિરાકરણ લાવવા કશું કરાતું નથી.
બીજી તરફ, પેપરના માર્કિંગના બહિષ્કારથી વિદ્યાર્થીઓ ચિંતામાં પડી ગયા છે કે ગ્રેડ્સ નહિ મળવાથી શું કરવું તેની ખબર પડતી નથી. તેઓ કદાચ ગ્રેજ્યુએટ થઈ શકશે કે કેમ તેની પણ સ્પષ્ટતા નથી. અંડરગ્રેજ્યુએટ્સ પોતાની મૂંઝવણ અને રોષ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે.