લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આગામી કેબિનેટ રિશફલિંગમાં એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસનનું પત્તું કાપી શકે છે. તેમના સ્થાને ચાન્સેલર રિશિ સુનાકની ટ્રેઝરી ટીમના હિસ્સા અને ઈક્વલિટી મિનિસ્ટર કેની બેડનોચની નિયુક્તિ થઈ શકે છે. ટોરી પાર્ટીમાં ઉગતા સિતારા ગણાતા બેડનોચ કહેવાતા કેમ્પેઈનર્સ પર શાબ્દિક હુમલા કરવા બદલ લોકપ્રિય છે.
કોવિડ મહામારીના ગાળામાં શિક્ષણક્ષેત્રે વિલિયમસનની ભૂમિકા અને કામગીરી સંદર્ભે કન્ઝર્વેટિવ પાર્ટીના બહુમતી સાંસદો નાખુશ છે. બીજી તરફ, કેબિનેટમાંથી સંપૂર્ણ હકાલપટ્ટીને ટાળવા વિલિયમસન વડા પ્રધાન જ્હોન્સનને છૂપી ધમકી આપી રહ્યા હોવાનું પણ મનાય છે. તેઓ વડા પ્રધાન તેમની હકાલપટ્ટી કરવા માટે ઘણા નબળા છે અને ક્યાં શું ચાલે છે તેનાથી તેઓ માહિતગાર હોવાનું લોકોને કહેતા રહે છે. ધ ટાઈમ્સના અહેવાલ મુજબ એક ટોરી સાંસદે કહ્યું હતું કે નેતાગીરીની ટોપ ટીમમાં રહેવા વિલિયમસન હાઉસ ઓફ કોમન્સના લીડર બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આ હોદ્દો જેકોબ રીસ-મોગ સંભાળે છે.
જ્હોન્સનના લીડરશિપ કેમ્પેઈનમાં રહેલા ગાવિન વિલિયમસન જુલાઈ ૨૦૧૯થી એજ્યુકેશન સેક્રેટરી છે અને તે અગાઉ સરકારના ચીફ વ્હિપ હતા. જોકે, વડા પ્રધાન જાન્યુઆરી સુધીમાં કેબિનેટમાં કોઈ ફેરબદલ કરવા માગતા નથી. બીજી તરફ, ૪૧ વર્ષના કેની બેડનોચને એજ્યુકેશન સેક્રેટરી બનાવવા ભારે દબાણ થઈ રહ્યું છે.