લંડનઃ કોવિડના કારણે ઈંગ્લેન્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી વધી છે. બે સપ્તાહમાં આ ગેરહાજરીનું પ્રમાણ ત્રણ ગણું થયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડા મુજબ કોવિડની બીમારી અથવા આઈસોલેશનમાં રહેવાના કારણે 202,000 વિદ્યાર્થી શાળાએ આવતા નથી. ૩ માર્ચે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા 58,000 હતી.
શાળાઓમાં ગેરહાજર વિદ્યાર્થીઓમાં 16,000 વિદ્યાર્થી કોવિડના શંકાસ્પદ કેસ હતા જ્યારે 159,000 કન્ફર્મ કેસ હતા. આ ઉપરાંત, વધુ 17, 000 વિદ્યાર્થી કોવિડ સંબંધિત હાજરીના નિયંત્રણો અથવા અપવાદરૂપ સંજોગોના કારણે જ્યારે, 6,000 વિદ્યાર્થી આઈસોલેશન અથવા અન્ય કારણે શાળામાં ગેરહાજર હતા. શાળામાં સમગ્રતયા હાજરી 3 માર્ચે 92.2 ટકા હતી તે 17 માર્ચે ઘટીને 89.7 ટકા રહી હતી.
દરમિયાન, શાળામાં ગેરહાજર શિક્ષકોની સંખ્યા પણ વધી હતી. 17 માર્ચે 9.1 ટકા (48,000) શિક્ષકો અને સ્કૂલ લીડર્સ ગેરહાજર હતા જ્યારે 3 માર્ચે આ સંખ્યા 5.8 ટકા (31,000) હતી. ગેરહાજરીની સંખ્યાએ સમર પરીક્ષાની સીઝન મોટા પાયે કોવિડમુક્ત રહેશે તેવી આશાને ફટકો માર્યો છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી મફત લેટરલ ફ્લો ટેસ્ટિંગનો અંત આવ્યો છે.