લંડનઃ હજારો બાળકોને ગેરેજમાં અભ્યાસ કરાવાય છે તેમજ અપરાધીઓ દ્વારા કરાવાતા કટ્ટરવાદના અભ્યાસ બાબતે ઓફસ્ટેડ- Ofstedની ચેતવણીના પગલે ગેરકાયદે ચલાવાતી સ્કૂલો સરકારની નવી સત્તા હેઠળ બંધ કરી દેવાશે. એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ શિક્ષણ વિભાગને નવી સત્તાઓ આપી છે. જોકે, આના કારણે ચારેડી જ્યુઈશ ફેઈથ સહિત ફેઈથ ગ્રૂપ્સને અપ્રમાણસરની અસર થવાનો ભય છે.
પ્રતિબંધિત ઉપદેશકો દ્વારા બાળકોને કટ્ટરવાદના મૂલ્યો શીખવાડાવાનું જોખમ છે તેવી કામચલાઉ શાળાઓને બંધ કરી દેવાશે. સ્કૂલ્સ વોચડોગ ઓફસ્ટેડે ચેતવણી આપી છે કે નિયમનો વિનાની સ્વતંત્ર કામચલાઉઅને મોટા ભાગે ગેરેજોમાં ચલાવાતી શાળાઓમાં હજારો બાળકો અભ્યાસ કરે છે. એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટ બાળકોને નુકસાનનું જોખમ ધરાવતી અને સુરક્ષાની નિષ્ફળતા સાથેની સ્વતંત્ર શાળાઓને બંધ કરાવી દેશે.
શાળાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યા વિના શાળા ખુલ્લી રાખનારા શાળામાલિકોને જવાબદાર ગણાવાશે. ગેરકાયદે અને અસુરક્ષિત શાળાઓ વિરુદ્ધ ઝડપી પગલાં લેવાશે અને નવા ક્રિમિનલ અપરાધ મારફત સસ્પેન્શનનો અમલ કરાવાશે. રજિસ્ટ્રેશન વિનાની સંપૂર્ણ સમયની ગેરકાયદે શાળાઓના કિસ્સામાં રેગ્યુલેટર ક્રિમિનલ પ્રોસિક્યુશનને સપોર્ટ કરશે. સુધારાઓ હેઠળ શાળાની વયના વિદ્યાર્થીઓ માટે અંશતઃ શાળાના કલાકો દરમિયાન સપ્તાહમાં 18 કલાક અથવા વધુ ખુલ્લી રહેતી શાળાએ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. કન્સલ્ટેશનમાં 10માંથી 4 મતદારે રજિસ્ટ્રેશન વિનાની શાળાઓમાં બાળકોને સંકીર્ણ ધાર્મિક અભ્યાસક્રમ શીખવવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.