લંડનઃ આગામી વર્ષોમાં યુકેની યુનિવર્સિટીઓમાં ચીનના અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. આનું મૂળ કારણ એ છે કે ચીનમાં 18 વર્ષના યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડિજિટલ માર્કેટિંગ ગ્રૂપ Sinorbisના રિપોર્ટ અનુસાર ચીનના મિડલ ક્લાસ પેરન્ટ્સ ચાઈનીઝ અભ્યાસ પદ્ધતિને છોડી વિદેશી યુનિવર્સિટીમાં ભણવાની તરફેણ કરી રહ્યા છે.
આ ઓટમમાં ચીનના આશરે 29,000 યુવાનોએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ ડીગ્રી શરુ કરવા અરજીઓ કરી છે. વર્ષ 2020 અને 2021માં આ સંખ્યા અનુક્રમે 21,250 અને 25,800 હતી. Sinorbisના રિપોર્ટમાં એવી આગાહી કરાઈ છે કે 2030 સુધીમાં આ સંખ્યા વધીને 50,000 જેટલી થઈ જશે.
રિપોર્ટ જણાવે છે કે આનું મહત્ત્વનું કારણ એ છે કે 2006 માં ભારે ઘટાડા પછી ચીનમાં 18 વર્ષના યુવાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ યુવાસમૂહમાં 2030 સુધીમાં અંદાજે 5 ટકાનો એટલે કે 16.5 મિલિયનનો વધારો થઈ જશે. શિક્ષણ માટે બ્રિટન લોકપ્રિય પસંદગી હોવાથી 2030 સુધીમાં આશરે 700માંથી એક ચાઈનીઝ યુવાન બ્રિટનમાં અભ્યાસ કરતો હશે. વિદેશમાં અભ્યાસ કરવાના નિર્ણય પાછળ ચીનની અતિશય સ્પર્ધાત્મક સ્કૂલ સિસ્ટમ જવાબદાર હશે. ચીનમાં યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા વિદ્યાર્થીએ વિશ્વમાં સૌથી કઠણ મનાતી નેશનલ કોલેજ એન્ટ્રન્સ એક્ઝામિનેશન- gaokaoમાં સારો દેખાવ કરવો આવશ્યક છે. આથી જ નાની વયથી જ માતાપિતા બાળકોને વિદેશ ભણવા મોકલવાની તૈયારી કરવા લાગે છે.
બ્રિટનમાં ડીગ્રીઓ અને ડોક્ટરેટ્સ હાંસલ કરવાનું સરળ રહે છે અને બ્રિટિશ સંસ્થાઓની સારી પ્રતિષ્ઠા છે. જોકે, સાંસદો સહિત અન્યોએ ચીનના વિદ્યાર્થીઓ પર વધુપડતો આધાર રાખવા સામે યુનિવર્સિટીઓને ચેતવણી પણ આપી છે કારણકે ચીનની રણનીતિ મહત્ત્વપૂર્ણ બૌદ્ધિક સંપદા હાંસલ કરવાની રહી છે.