લંડનઃ સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ યુકેમાં વિદ્યાર્થીઓ શાળાએ જવું ન પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના બનાવટી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આટલુ જ નહિ, તેઓ આ રિપોર્ટ કેવી રીતે મેળવી શકાય તેની જાણકારી પણ સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યા છે. વિદ્વાનોએ આ પ્રેક્ટિસ સામે લાલ બત્તી ધરી ચિંતા દર્શાવી છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ હોય તેને ૧૪ દિવસના ક્વોરેન્ટાઈન માટે ખાસ રજા આપવામાં આવે છે. આ વધારાની રજાઓ મેળવવા બનાવટી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ, હકીકતોને ચકાસતી Full Fact નામની યુકેસ્થિત સંસ્થાના જણાવ્યા અનુસાર ઉભરો લાવતાં પીણાં અને ખાટાં ફળો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ પરિણામ દર્શાવી શકે છે પરંતુ, માનવીઓ પર ઉપયોગ કરાય ત્યારે ભાગ્યેજ ખોટા-પોઝિટિવ રિઝલ્ટ આપે છે.
iNews UK દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટ અનુસાર ટીનેજર્સે ટિકટોક સહિતના સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અસંખ્ય વિચિત્ર વીડિયોઝમાંથી માહિતી ઉપાડી હોય છે. રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓ કોરોનાના રેપિડ એન્ટીજન ટેસ્ટ- લેટરલ ફ્લો ટેસ્ટ દરમિયાન સ્વાબને બદલે ઓરેન્જ જ્યૂસ ઉપરાંત, અન્ય ડ્રિન્ક્સ, ટોમેટો સોસ અને કોકા-કોલાનો પણ ઉપયોગ કરે છે.
દરમિયાન, એસોસિયેશન ઓફ સ્કૂલ એન્ડ કોલેજ લીડર્સના જનરલ સેક્રેટરી જ્યોફ બાર્ટને iNewsને જણાવ્યું હતું કે ચોક્કસપણે ઘણા ઓછા વિદ્યાર્થીઓ આમાં સંડોવાયા હશે અને બાકીના ટેસ્ટ્સ તો યોગ્ય રીતે જ થતા હોય છે.. જોકે, ટેસ્ટ્સનો દુરુપયોગ ન થાય તે જોવાં તેમણે પેરન્ટ્સને અનુરોધ કર્યો હતો.