બ્રિટિશ યુનિવર્સિટીઓમાં નાણાનો ઢગલો કરી રહેલા ચાઈનીઝ વિદ્યાર્થીઓ

Wednesday 20th April 2022 03:11 EDT
 
 

લંડનઃ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ચીનના વિદ્યાર્થીઓ નાણાનો ઢગલો કરી રહ્યા છે. લિવરપૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાંઘાઈ નજીકના કેમ્પસમાં અભ્યાસ કરી શકે છે તો માન્ચેસ્ટર યુનિવર્સિટી ચીનની નવ યુનિવર્સિટી સાથે સંશોધનમાં સંકળાઈ હોવાની બડાશ મારે છે તેમજ ચીનની સરકારના ભંડોળથી બ્રિટનની બીજી લેંગ્વેજ સ્કૂલ અને કલ્ચરલ સેન્ટર સાથેની કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ગ્લાસગો અને શેફિલ્ડની આ બંને યુનિવર્સિટીઓ તેમજ રસેલ ગ્રૂપની સંસ્થાઓમાં ઓછાંમાં ઓછાં 15 ટકા વિદ્યાર્થી ચાઈનીઝ છે.

તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં ચાઈનીઝ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે. 144,000 થી વધુ ચાઈનીઝ વિદ્યાર્થી અંડરગ્રેજ્યુએટ એથવા પોસ્ટગ્રેજ્યુએટ કોર્સીસમાં અભ્યાસ કરે છે જે પાંચ વર્ષ અગાઉ કરતાં 50 ટકા વધુ છે. તમામ યુનિવર્સિટીમાં બિન-ઈયુ વિદ્યાર્થીનો ત્રીજો હિસ્સો છે તેમજ આવા વિદ્યાર્થીઓ દર વર્ષે 7 બિલિયન પાઉન્ડની ટ્યુશન ફી ચૂકવે છે તેમાંથી ચાઈનીઝ વિદ્યાર્થીઓનો હિસ્સો 2.5 બિલિયન પાઉન્ડ (3.3 બિલિયન ડોલર) છે અને યુનિવર્સીટીઓની કુલ આવકના 6 ટકા છે. બ્રિટને કોવિડ મહામારીમાં પણ વિદેશી વિદ્યાર્થીઓનું પ્રમાણ જાળવી રાખ્યું હતું. બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે આવકનો આ સ્રોત સતત મહત્વપૂર્ણ બની રહ્યો છે. તેઓ વિદેશી વિદ્યાર્થીઓની ફી પર આધાર રાખે છે જે ઘરેલુ વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઊંચી છે. કિંગ્સ કોલેજ લંડન અને હાર્વર્ડ યુનિવર્સિટીના 2021ના સંયુક્ત રિપોર્ટ મુજબ બ્રિટન માટે 2018માં એજ્યુકેશન એક્સપોર્ટનું મૂલ્ય 23.3 બિલિયન પાઉન્ડ હતું જેમાંથી, બે તૃતીઆંશ હિસ્સો ઉચ્ચ શિક્ષણ માટે હતો. આની સરખામણીએ ફાઈનાન્સિઅલ સર્વિસીસ સેક્ટરમાં બ્રિટન 20 બિલિયન પાઉન્ડ મેળવે છે.

બ્રિટનમાં પ્રતિ યુનિવર્સિટી વિદ્યાર્થી પાછળ સરકારી ખર્ચ વધ્યો નથી. એજ્યુકેશન વિભાગે હાલમાં જ જાહેરાત કરી છે કે ઘરઆંગણાના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી બે વર્ષ માટે સ્થગિત કરી દેવાશે. આ સ્થિતિમાં યુનિવર્સિટીઓ માટે વિદેશી વિદ્યાર્થીઓ જ આવકનું મુખ્ય સાધન બની રહે છે. બ્રિટનમાં અભ્યાસાર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. આ વર્ષે 85,000 ભારતીય વિદ્યાર્થી બ્રિટન આવ્યા હતા. જોકે, ચાઈનીઝ વિદ્યાર્થીઓની સરખામણીએ આ સંખ્યા ઘણી ઓછી છે. આની સાથે કેમ્પસીસમાં ચીનના વિદ્યાર્થીઓનો પ્રભાવ પણ વધી રહ્યો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter