લંડનઃ ભારતીય મૂળની અન્વી ભૂટાણી ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખપદની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવી છે. અન્વી મેગ્ડેલન કોલેજની હ્યુમન સાયન્સીસ- એન્થ્રોપોલોજી વિદ્યાર્થિની છે. સોશિયલ મીડિયામાં ભૂતકાળની પોસ્ટ્સ બાબતે સર્જાયેલા વિવાદ પછી ભારતીય વિદ્યાર્થીની રશ્મિ સામંતને પ્રમુખપદ છોડવાની ફરજ પડી હતી અને પેટાચૂંટણી યોજાઈ હતી.
અન્વી ભૂટાણી ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનમાં કેમ્પેઈન ફોર રેસિયલ અવેરનેસ એન્ડ ઈક્વલિટી (CRAE)ની સહ-અધ્યક્ષ અને ઓક્સફર્ડ ઈન્ડિયા સોસાયટીની પ્રમુખ છે. ભારે મતદાન પછી ૨૦ મે,ગુરુવારની રાત્રે અન્વીને ચૂંટાયેલી વિજેતા જાહેર કરાઈ હતી.
અન્વી ભૂટાણીના વિજય ઘોષણાપત્રમાં જણાવાયુ છે કે,‘ વધુ વૈવિધ્યપૂર્ણ અભ્યાસક્રમને આગળ વધારવા ઓક્સફર્ડ એન્ડ કોલોનિયાલિઝમ હબ જેવા ઈનિશિયેટિવ્ઝ સાથે કામ કરવા સ્ટુડન્ટ્સ કેમ્પેઈન્સના સૂચનોનો ઉપયોગ કરવામાં આવશે.ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ સહિત વર્તમાન મેન્ટલ હેલ્થ સપોર્ટ પ્રોગ્રામ માટે વધુ ભંડોળની માગણી કરાશે તેમજ યુનિવર્સિટી કાઉન્સેલિંગ સર્વિસીસ માટે રાહ જોવાનો સમય ઘટાડવા બાબતે કાર્ય કરાશે.’
સ્ટુડન્ટ ન્યૂઝપેપર મુજબ પેટાચૂંટણી માટે ભારે મતદાન થયું હતું તેમજ અગાઉની વાર્ષિક નેતાગીરી ચૂંટણીઓના મતદાનને પાછળ પાડ્યું હતું. ૨,૫૦૬ લોકો મત આપવા ઉમટ્યા હતા જે ૨૦૧૯ની પેટાચૂંટણીની સરખામણીએ ૧૪૬ ટકા વધુ છે. ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયન પ્રમુખપદની ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી વધુ ૧૧ ઉમેદવાર મેદાનમાં હતા.