લંડનઃ યુકેની ઓક્સફર્ડ, એડિનબરા, નોટિંગહામ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓમાં આજકાલ ‘સ્ટડી ડ્રગ્સ’ લેવાનું ચલણ વધી ગયું છે. વિદ્યાર્થીઓ સારા માર્ક્સનો સ્કોર કરવા માટે પરીક્ષા આપવા પહેલાં પણ દેખાવ-પરફોર્મન્સ સુધારતી આવી ડ્રગ્સનો ઉપયોગ કરે છે. બ્રિટિશ યુનિવર્સિટીઓમાં થયેલા સર્વે મુજબ અંદાજે ૨૦ ટકા વિદ્યાર્થી ‘સ્ટડી ડ્રગ્સ’ લઈને પરીક્ષા આપે છે. હકીકત એવી છે કે આવી પ્રતિબંધિત દવાઓ લેવા પર કોઈ રોકથામ નથી.
બ્રિટનની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવવાના સતત દબાણ હેઠળ રહે છે. આથી, તેઓ સ્ટડી ડ્રગ્સ તરીકે ઓળખાતી દવાઓ લેતા રહે છે. ઊંઘ ભગાડતી આવી દવાઓ ખાઈને વિદ્યાર્થીઓ કલાકો સુધી અભ્યાસ કરી શકે છે. એટલું જ નહિ, કલાકો સુધી અભ્યાસ પછી પણ તેઓ અત્યંત તાજગી અનુભવે છે. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓ સ્ટડી ડ્રગ્સ તરીકે સૌથી વધુ ઉપયોગ મોડાફિનિલ દવાનો કરે છે. મોડાનિફિલ ડ્રગ નિદ્રારોગીઓને મદદ કરવા તેમજ રિટાલિન ડ્રગ એટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)ની સારવારમાં વપરાય છે. જોકે, લાંબા સમય સુધી આ દવાઓના ઉપયોગથી અનેક આડઅસરો પણ થાય છે.
ઓક્સફર્ડ, એડિનબરા, નોટિંગહામ યુનિવર્સિટીઓ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં ગ્રેજ્યુએટ બનેલા લોકોનું કહેવું છે કે આ પિલ્સ સરળતાથી અને દરેકના બે પાઉન્ડની ઓછી કિંમતે મળી જાય છે. કેટલાક કિસ્સામાં ડોક્ટરો પણ તે પ્રિસ્ક્રાઈબ કરે છે. વિદ્યાર્થીઓ પ્રિસ્ક્રીપ્શન કરાયેલી સ્ટડી ડ્રગ્સનું નામ અન્ય વિદ્યાર્થીઓને આપી દે છે. કેટલા વિદ્યાર્થીઓ આ ડ્રગ્સ લે છે તેની ચોક્કસ જાણકારી નથી પરંતુ, ગત વર્ષે પ્રસિદ્ધ ૫૪ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઓનલાઈન સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૧૯ ટકા વિદ્યાર્થીઓએ સમજશક્તિ વધારતી દવાનો ઉપયોગ કર્યો હતો.
વાઈસ ચાન્સેલર્સ સંસ્થા યુનિવર્સિટીઝ યુકે દ્વારા કહેવાયું છે કે કેમ્પસમાં પરફોર્મન્સ સુધારતી ડ્રગ્સના ઉપયોગ બાબતે નવો અભ્યાસ કરાશે અને ડ્રગ્સનો ઉપયોગ અટકાવવા આગામી વર્ષના અંત સુધીમાં વિસ્તૃત ગાઈડલાઈન જારી કરાશે.