લંડનઃ ધ ટાઈમ્સ યુનિવર્સિટી ટેબલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટનમાં સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં 12 વર્ષ પછી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે જ્યારે તેની સ્પર્ધક કેમ્બ્રિજ યુનિવર્સિટી ત્રીજા સ્થાને સરકી છે. ગત વર્ષની પ્રથમ ક્રમાંકિત સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટીએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ઓનલાઈન પ્રકાશિત ધ ટાઈમ્સ એન્ડ ધ સન્ડે ટાઈમ્સ ગુડ યુનિવર્સિટી ગાઈડ 2023 અનુસાર યુકેની 132 યુનિવર્સિટીઓમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રથમ, સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી ત્રીજા સ્થાને છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સર્વશ્રેષ્ઠ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં 12 વર્ષ પછી પ્રથમ સ્થાન હાંસલ કરી પ્રતિસ્પર્ધી કેમ્બ્રિજને પાછળ રાખી દીધી છે.
ગુડ યુનિવર્સિટી ગાઈડ 2023 અનુસાર રેન્કિંગ આપવામાં ગણતરીમાં લેવાતા ઉચ્ચ ગુણવત્તાના સંશોધન અને ગ્રેજ્યુએટ્સ માટે નોકરીની મજબૂત તક સહિત તમામ શૈક્ષણિક ધોરણોમાં ઓક્સફર્ડે શ્રેષ્ઠતા દર્શાવી છે. વિસ્તરણ પામેલી અન્ય ઘણી સંસ્થાઓથી વિપરીત ઓક્સફર્ડે દર વર્ષે વધુ અંડરગ્રેજ્યુએટ્સને નોંધવા કે પ્રવેશનો ઈનકાર કર્યો છે. શિક્ષકદીઠ માત્ર 10.5 વિદ્યાર્થીનું ધોરણ રાખ્યું છે.
બીજી તરફ, ગત 10માંથી 8 વર્ષ સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ લીગ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું પરંતુ, ગત વર્ષે સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટીએ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને પાછળ રાખી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. આ વર્ષે કેમ્બ્રિજને પાછળ રાખી સેન્ટ એન્ડ્રયુઝ યુનિવર્સિટીએ બીજો ક્રમ મેળવ્યો છે.આ વર્ષની ટોપ ટેન યુનિવર્સિટીઓમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, ઈમ્પિરિયલ કોલેજ લંડન, ડરહામ, યુનિવર્સિટી કોલેજ લંડન, બાથ, વોરવિક અને એડિનબરા યુનિવર્સિટીનો સમાવેશ થયો છે.
ધ ટાઈમ્સ એન્ડ ધ સન્ડે ટાઈમ્સ ગુડ યુનિવર્સિટી ઓફ ધ યર તરીકેનું સન્માન બાથ યુનિવર્સિટીના ફાળે ગયું છે જ્યારે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ધ યરનું બિરુદ ડરહામ યુનિવર્સિટીને મળ્યું છે.
રેન્કિંગ માટેના આઠ માપદંડોમાં શિક્ષણની ગુણવત્તા વિશે વિદ્યાર્થીઓનો સંતોષ અને વ્યાપક વિદ્યાર્થી અનુભવ, સંશોધનની ગુણવત્તા, ગ્રેજ્યુએટ્સને મળતી તક, નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશની લાયકાત, હાંસલ કરાયેલા ડીગ્રી પરિણામો, વિદ્યાર્થી-શિક્ષકનો રેશિયો અને ડીગ્રી પૂર્ણ કરવાના દરનો સમાવેશ થાય છે.