લંડનઃ યુકે દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના કેમ્પસ શરૂ કરવા તૈયાર છે અને સંભાવનાઓની ચકાસણી માટે યુકેની યુનિવર્સિટીઓ ભારતની આઇઆઇટી સંસ્થાઓ સાથે વાટાઘાટો પણ કરી રહી છે. તેવી જ રીતે યુકેની સંખ્યાબંધ યુનિવર્સિટી ભારતમાં શાખાઓ ખોલવામાં રસ ધરાવે છે અને ભારતના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા તૈયાર કરાનારા રેગ્યુલેટરી ફ્રેમવર્કની રાહ જોઇ રહી છે.
યુકે સરકારના ઇન્ટરનેશનલ એજ્યુકેશન ચેમ્પિયન સ્ટીવ સ્મિથે જણાવ્યું હતું કે, ભારતની આઇઆઇટી સંસ્થાઓની શાખાઓ યુકેમાં શરૂ કરવા અંગે વાટાઘાટો ચાલી રહી છે. આ માટે અમે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન સાથે પણ ચર્ચા કરી છે. અમે માનીએ છીએ કે આ એક દ્વિપક્ષીય સંબંધ હશે જેમાં બંને દેશના શિક્ષણ સંસ્થાનો એકબીજાને ત્યાં પોતાની શાખાઓ શરૂ કરી શકે. આ મામલે અમે ખુલ્લું વલણ ધરાવીએ છીએ.
સ્મિથે જણાવ્યું હતું કે, હું જાણું છું કે યુકેની સંખ્યાબંધ શિક્ષણ સંસ્થાઓ આઇઆઇટી સાથે વાટાઘાટો કરી રહી છે. હા આ બધું રાતોરાત થઇ જવાનું નથી પરંતુ સંબંધો વિકસાવવામાં તેનાથી વધુ મદદ મળી રહેશે. સ્મિથ અને યુકેની યુનિવર્સિટીઓના અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું.