લંડનઃ યુનિવર્સિટીઓમાં બળાત્કારના પ્રમાણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે. મોટાભાગના બળાત્કાર ફ્રેન્ડશિપ ગ્રુપમાં થાય છે. એકસમાન અભ્યાસક્રમમાં સાથે ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓમાં આ દુષણ વકરી રહ્યું છે. યુનિવર્સિટીઓ આ મુશ્કેલ સમસ્યાના નિવારણ માટે સજ્જ બની રહી છે. ઘણા કિસ્સામાં વિદ્યાર્થિનીઓ પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે ન્યાય મળવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. તેથી તેઓ ફક્ત યુનિવર્સિટીમાં ફરિયાદ કરીને સંતોષ માની લે છે.
વેસ્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સ્ટીવ વેસ્ટ આ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે પોલીસ પાસે ન જનાર બળાત્કારપીડિતા એકવાર યુનિવર્સિટીમાં ફરિયાદ કરે કે તરત યુનિવર્સિટીએ ઝડપથી આંતરિક તપાસ કરવી જોઇએ. યુનિવર્સિટીઓ આ પ્રકારની તપાસ વધુ ઝડપથી કરી શકે છે.