લંડનઃ મહામારી હોવાં છતાં વિક્રમી સંખ્યામાં બ્રિટિશ વિદ્યાર્થીઓ ઓટમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. શાળાઓ છોડ્યા પછી ડીગ્રી કોર્સીસ માટે અરજી કરનારાની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો છે. સૌથી મનપસંદ યુનિવર્સિટીઓમાં અભ્યાસની અરજીઓ વધી છે તેની સામે અગ્રણી યુનિવર્સિટીઓ દ્વારા કરાતી ઓફર્સ પણ ગત વર્ષની સરખામણીએ ઊંચે ગઈ છે.
યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન્સ સર્વિસ (UCAS)ના જણાવ્યા મુજબ સૌથી વંચિત વિદ્યાર્થીઓને ઓફર્સમાં બે વર્ષમાં ૨૦ ટકાનો વધારો એટલે કે ૨૦૧૯માં ૨૭,૧૭૦થી વધીને આ વર્ષે ૩૨,૭૦૦ વિદ્યાર્થીને ઓફરો કરાઈ છે. યુનિવર્સિટીઓ અને કોલેજીસ દ્વારા લગભગ ૨ મિલિયન ઓફર્સ કરી ચૂકી છે જે ગત વર્ષ કરતાં ૩ ટકા વધુ છે. બીજી તરફ, શાળા છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ત્રણ ટકાનો વધારો નોંધાયો છે અને ગત વર્ષની સરખામણીએ યુનિવર્સિટીઓમાં અરજી કરનારાઓની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો છે. યુનિવર્સિટી અભ્યાસ માટે અરજી કરનારા ૧૮ વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૩.૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ વર્ષે યુનિવર્સિટી અભ્યાસ માટે કુલ ૬૮૨,૦૦૦ અરજદારોમાં ૪૦૦,૦૦૦ સ્ત્રીઓ છે જે કુલ ઉમેદવારના ૫૯ ટકા છે. સ્ત્રી ઉમેદવારોની સંખ્યામાં વર્ષ ૨૦૧૨ પછી ૫૦,૦૦૦નો વધારો થયો છે. બીજી તરફ, આ જ સમયગાળામાં પુરુષ ઉમેદવારોની સંખ્યા ૧૫,૦૦૦ના વધારા સાથે ૨૮૧,૦૦૦ની થઈ છે.