લંડનઃ બ્રેક્ઝિટ પછીના રેડટેપિઝમ અને મહામારીની અસરના લીધે યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની લેન્ગ્વેજ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓ આવતા નહિ હોવાથી 3.2બિલિયન પાઉન્ડની ઈન્ડસ્ટ્રી અને 40,000 નોકરીઓ સામે જોખમ સર્જાયું હોવાની ચેતવણી ટુરિઝમ અગ્રણીઓએ આપી છે. સરકારે કોવિડ ટ્રાવેલ નિયમો હળવાં કર્યાં હોવાં છતાં, મિનિસ્ટર્સ દ્વારા ફ્રાન્સ, જર્મની અને અન્ય ઈયુ દેશોના બાળકો પર અનાવશ્યક નિયંત્રણો લાદ્યા છે.
ટુરિઝમ એલાયન્સના રિપોર્ટ અનુસાર આના પરિણામે, સ્કૂલ ગ્રૂપ બુકિંગ્સ ઘટી ગયાં છે અને ઈન્ડસ્ટ્રીની આ વર્ષની આવકમાં અંદાજે 80 ટકાનો ઘટાડો જોવાં મળ્યો છે તેમજ 40,000 નોકરીઓ સામે ખતરો સર્જાયો છે. 2021 સુધી દર વર્ષે 1.5 મિલિયનથી વધુ બાળકો યુકેમાં ઈંગ્લિશનો અભ્યાસ કરવા અથવા ઓર્ગેનાઈઝ્ડ શાળાપ્રવાસો માટે આવતા હતા જેનાથી ટુરિઝમની કુલ વાર્ષિક આવકના 11 ટકા આવક થતી હતી. બ્રેક્ઝિટ અગાઉ, બાળકોના ગ્રૂપ્સ લિસ્ટ ઓફ ટ્રાવેલર્સ સ્કીમ હેઠળ આઈડેન્ટિટી કાર્ડ્સના ઉપયોગથી પ્રવાસ કરી શકતા હતા. હવે દરેક બાળક પાસે પાસપોર્ટ હોવો આવશ્યક છે તેમજ નોન-ઈયુ પાસપોર્ટ ધરાવતા બાળકો પાસે 95 પાઉન્ડના વિઝા હોવા જરૂરી છે. હવે શાળાઓ ઈંગ્લિશ ભાષાકીય પ્રવાસ માટે આયર્લેન્ડ અથવા માલ્ટાનો વિકલ્પ પસંદ કરે છે અથવા પ્રવાસ પડતો મૂકે છે.
મોટા ભાગની લેન્ગ્વેજ સ્કૂલ્સ ઈંગ્લેન્ડના દક્ષિણ કિનારાના સમુદ્રીતટ પરના ટાઉન્સમાં છે. હેસ્ટિંમગ્સ કાઉન્સિલનું કહેવું છે કે તેની 20માંથી સાત લેન્ગ્વેજ સ્કૂલ્સ અને ટુર ઓપરેટર્સ હજુ કાર્યરત હોવાનું કહેવાય છે. લેન્ગ્વેજ સ્કૂલ્સની ટ્રેડ સંસ્થા ઈંગ્લિશ યુકેના કહેવા મુજબ તેના 15 ટકા સભ્યો કાયમી બંધ થઈ ગયા છે, વધુ 15 ટકા આ વર્ષ ચલાવી શકાશે તે બાબતે શંકાશીલ છે. વિદેશથી આવતા બાળકો મોટા ભાગે સ્થાનિક પરિવારોની સાથે રહે છે, ઈંગ્લિશ ભાષા શીખે છે અને બ્રિટિશ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાતો લે છે.