લંડનઃ યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના ૨૯ વર્ષીય વિદ્યાર્થી હૈદર જાસિમે કોમ્પ્યુટર્સનું હેકિંગ કરી સાથી વિદ્યાર્થીઓને પરીક્ષાના ઉત્તરોનું ૨૦,૦૦૦ પાઉન્ડમાં વેચાણ કર્યું હતું. એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ મેથ્સની પરીક્ષાના ઉત્તરો મેળવવા જાસિમને ૬,૫૦૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. કાર્ડિફ ક્રાઉન કોર્ટે જાસિમને ૨૦ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
મેથ્સના લેક્ચરર લીઆમ હેરિસને પાંચ વિદ્યાર્થીઓએ આન્સરશીટની નકલ કરી હોવાની જાણ થઈ હતી કારણકે તેમણે જે સ્પેલિંગની ભૂલો કરી હતી તે જ ભૂલો વિદ્યાર્થીઓની આન્સરશીટમાં જોવાં મળી હતી. હેરિસને કૌભાંડની જાણ થતાં યુનિવર્સિટીએ યુદ્ધના ધોરણે ૧૪૦ મિલિયન લોગ રેકોર્ડ્સ ચકાસવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોન્ટીપ્રિડ નજીક ટ્રેફોરેસ્ટના એક ઘરમાં IP એડ્રેસનું પગેરું નીકળ્યું હતું. આ સ્થળે જાસિમ અને ૩૦ વર્ષીય નૌરેલડીએન એલ્ટાર્કી રહેતા હતા. પોલિસે જાસિમના કોમ્પ્યુટર ઉપકરણ અને ૧૭,૦૦૦ પાઉન્ડ રોકડા જપ્ત કર્યા હતા.
હૈદર જાસિમનો જન્મ ઈરાકમાં થયો હતો અને તે માસ્ટર્સ ડીગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો. જાસિમે પ્રશ્નપત્રો અને આન્ટરશીટની નકલો મેળવવા ઈચ્છતા અન્ય વિદ્યાર્થીઓને શોધવા તેની સાથે રહેતા એલ્ટાર્કીની મદદ મેળવી હતી. જાસિમે રાતના સમયે નેટવર્કમાં ઘૂસણખોણી કરવા લગભગ ૭૦૦ વખત સ્ટાફની લોગ ઈન વિગતોનો ઉપયોગ કર્યો હતો. તપાસકર્તા ઓફિસરોના જણાવ્યા મુજબ જાસિમે સ્ટાફ યુઝરનેઈમ્સ અને પાસવર્ડ્ઝની વિગતો હાથ કરવા સોફિસ્ટિકેટેડ કી લોગિંગ ડીવાઈસનો ઉપયોગ કર્યો હતો.
જાસિમે આન્સશીટના વેચાણથી આશરે ૨૦,૦૦૦ પાઉન્ડની કમાણી કરી હતી. કોમ્પ્યુટરના અનધિકૃત ઉપયોગથી આર્ટિકલ્સ મેળવવા તેમજ કોમ્પ્યુટરના સુરક્ષિત ડેટાની વિશ્વનીયતાને નિકસાન પહોંચાડવા સહિતના ગુનાઓ કબૂલ્યા હતા. એલ્ટાર્કીએ મની લોન્ડરિંગ અને ક્રિમિનલ પ્રોપર્ટીની હેરાફેરીના ગુના કબૂલ્યા હતા અને તેને નવ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા કરાઈ હતી.