વિદ્યાર્થીઓ નવી મુશ્કેલીમાં મૂકાશેઃ સ્ટુડન્ટ લોન પરત ચૂકવણીના નિયમો બદલાશે

Tuesday 01st March 2022 13:28 EST
 
 

લંડનઃ યુકેમાં સ્ટુડન્ટ્સ લોન લેનારા વિદ્યાર્થીઓ માટે લોન પરત ચૂકવવા માટેના નિયમો બદલાયા છે જેના પરિણામે તેમણે વધુ રકમની ચૂકવણી કરવી પડશે અને લોન ચૂકવવાનો સમય પણ વધી જશે. અત્યાર સુધી 27,295 પાઉન્ડનું વાર્ષિક વેતન થવા સાથે લોન ચૂકવવાની શરૂ થતી હતી અને હવે આ મર્યાદા ઘટાડીને સપ્ટેમ્બર 2023થી વાર્ષિક 25,000 પાઉન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર બાકી લોન ચૂકવવાના 30 વર્ષ પછી તેની માંડવાળ કરતી હતી તે સમયમર્યાદા વધારીને 40 વર્ષ કરવામાં આવશે.

બેન્કર સર ફિલિપ ઓગર દ્વારા 2019માં કરાયેલી ઉચ્ચ શિક્ષણ પદ્ધતિમાં સ્વતંત્ર સમીક્ષાના પ્રતિભાવ તરીકે આ પગલાં લેવાઈ રહ્યાં છે. યુનિવર્સિટી પોલિસી દસ્તાવેજમાં આ દરખાસ્તો જાહેર કરાઈ છે અને તેના માટે કન્સલ્ટેશન પણ જાહેર કરાશે. મુખ્ય બાબત એ છે કે આ જોગવાઈઓ હાલ અભ્યાસ કરતા કે વર્તમાન ગ્રેજ્યુએટ્સને નહિ પરંતુ, લોન લેનારા નવા વિદ્યાર્થીઓને લાગુ કરાશે. પરત ચૂકવણીની સમયમર્યાદા 10 વર્ષ વધારવાનો અર્થ એ થશે કે ભવિષ્યના ઘણા ગ્રેજ્યુએટ્સ તેમની નિવૃત્તિવયની નજીક પહોંચે ત્યાં સુધી સ્ટુડન્ટ લોનની ચૂકવણી કરતા રહેશે જેની ‘આજીવન ગ્રેજ્યુએટ ટેક્સ’ તરીકે ઓળખાવી શકાય.

વિદ્યાર્થીઓને લોન આપવા પાછળ કરાતા ખર્ચને ઘટાડવા ટ્રેઝરી દ્વારા આ યોજના ઘડાઈ છે કારણકે હાલ મોટા ભાગના ગ્રેજ્યુએટ્સ તેમની લોન સંપૂર્ણપણે ચૂકવતા નથી. ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ લોન્સ પાછળનો ખર્ચ વધી રહ્યો છે. ગત વર્ષના માર્ચ મહિના સુધીમાં નહિ ચૂકવાયેલી બાકી લોનની રકમ 161 બિલિયન પાઉન્ડ હતી અને 2043 સુધીમાં તે વધીને આશરે 500 બિલિયન પાઉનેડ થઈ જશે તેમ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને જણાવ્યું છે. આ ફેરફારોના પરિણામે, લોન ચૂકવણીના શરૂઆત વહેી થશે અને પોતાની સંપૂર્ણ સ્ટુડન્ટ લોન ચૂકવનારા વિદ્યાથીઓની સંખ્યા હાલના ૨૩ ટકાના બદલે લગભગ બમણી એટલે કે ૫૨ ટકા જેટલી થઈ જશે. બીજી તરફ, નવા વિદ્યાર્થી કરજદારોને ફેરફારો વધુ બોજારુપ ન બને તે માટે આગામી વર્ષથી વ્યાજદર પણ ઘટાડી દેવાશે. એમ પણ કહેવાય છે કે ઈંગ્લેન્ડમાં ટ્યુશન ફી ત્રણ વર્ષ માટેના 9,250 પાઉન્ડના સ્તરે સ્થગિત કરવામાં આવશે. આનો અર્થ એ થાય કે વધી રહેલા નિર્વાહખર્ચ સામે યુનિવર્સિટીઓને મળતી રકમમાં નોંધપાત્ર કાપ મૂકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter