લંડનઃ કોવિડ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ ગુમાવવો પડ્યો તેને બરાબર શીખવવા માટેની યોજનાના વડા સર કેવાન કોલિન્સે રાજીનામું આપી દીધું છે. સર કોલિન્સે આ કોવિડ રીકવરી યોજના માટે ૧૫ બિલિયન પાઉન્ડ ફાળવવા માગણી કરી હતી તેની સામે ટ્રેઝરીએ માત્ર ૧.૪ બિલિયન પાઉન્ડની ફાળવણી કરાતા તેઓ રોષે ભરાયા છે. સર કોલિન્સે જણાવ્યું હતું કે આનાથી લાખો બાળકોનું ભવિષ્ય ખરાબ થશે.
વડા પ્રધાન જ્હોન્સને લખેલા પત્રમાં સર કોલિન્સે જણાવ્યું હતું કે બાળકોને તેમના અભ્યાસમાં જે તાકીદની અને વ્યાપક મદદ જોઈએ છે તેના માટે આટલા નાણા તદ્દન અપૂરતાં છે. આટલી સહાયથી વિશ્વસનીય સફળતા મળી શકે તેમ તેઓ માનતા નથી. એમ કહેવાય છે કે સર કોલિન્સે વડા પ્રધાનને બાળકો માટે વધુ મદદની જરુરિયાત સમજાવી હતી અને તેઓ સંમત પણ થયા હતા પરંતુ, ચાન્સેલર રિશિ સુનાક આટલી મોટી રકમ આપવા તૈયાર નથી.
એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન માટે પણ સર કોલિન્સનું રાજીનામું આઘાતજનક બની રહ્યું છે. યુનિયનના વડાઓએ પણ આ ફાળવણીને દયાજનક ગણાવી છે. આટલી ઓછી રકમની ફાળવણીનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે મોટું પેકેજ નહિ અપાવાથી કોવિડના ગાળામાં બાળકોને જે શીખવાનું ગુમાવવું પડ્યું છે તેના લીધે અર્થતંત્રને ૧૦૦ બિલિયનથી ૧.૫ ટ્રિલિયન પાઉન્ડ જેટલું લાંબા ગાળાનું જંગી નુકસાન થશે. આ સંદર્ભે અન્ય દેશો દ્વારા કરાયેલા રોકાણો અથવા સરકારે મહામારીના ગાળામાં બિઝનેસીસની રીકવરી માટે લીધેલાં પગલાંની સરખામણીએ બાળકોના અભ્યાસ માટેની ફાળવણી નગણ્ય છે.
Generation Covid કેચ-અપ પ્લાન્સમાં વધારાના ટ્યુશન્સ, શાળામાં દિવસ લંબાવવા તેમજ ઉનાળાની રજાઓમાં કાપ મૂકવાની દરખાસ્તો પણ સર કોલિન્સે કરી હતી. મિનિસ્ટર્સ શાળાના સમયમાં અડધો કલાક વધારવાનું સૂચન ચકાસી રહ્યા છે. જ્હોન્સનના બેક ટુ સ્કૂલ અભિયાન હેઠળ બાળકોને ત્રણ વર્ષના ગાળામાં વધારાના ટ્યૂશન્સમાં ૧૦૦ મિલિયન કલાકો ઓફર કરવામાં આવી શકે છે.