શાળાઓ જ પરીક્ષા લેશેઃ GCSE અને A-levelના ગ્રેડિંગ શિક્ષકો હસ્તક

Tuesday 12th January 2021 13:49 EST
 
 

લંડનઃ ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનના પગલાંમાં શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની હોઈ સતત બીજા વર્ષે તમામ GCSEs અને A-level પરીક્ષાઓ પડતી મૂકવામાં આવી છે. સરકાર માને છે કે તદ્દન નબળાં પ્રકારની પરીક્ષા લેવાય તો પણ કોરોના વાઈરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થી માટે વાજબી નહિ ગણાય. એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસન ગ્રેડિંગ બાબતે કોઈ સ્પષ્ટતા કરી શક્યા નથી. આ સંજોગોમાં શાળાઓ પોતાની મેળે જ પરીક્ષાઓનું આયોજન કરશે અને ગ્રેડિંગ કે માર્ક્સ શાળાના શિક્ષકો દ્વારા જ કરવામાં આવશે. હેડટીચર્સ મોક ટેસ્ટ્સ યોજવાની તૈયારી પણ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ સારા ગ્રેડ્સ પ્રાપ્ત કરી શકે અને આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપનારા કેટલાક વિદ્યાર્થીઓને મદદ મળે. બીજી તરફ, ૬,૦૦૦ શિક્ષકોના કરાયેલા પોલમાં ૯૨ ટકાએ વિલિયમસને રાજીનામું આપી દેવું જોઈએ તેમ જણાવ્યું હતું.

એજ્યુકેશન સેક્રેટરીએ હાઉસ ઓફ કોમન્સમાં તમામ GCSEs અને A-level પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ, આ પરીક્ષાઓના બદલે કેવી વ્યવસ્થા કરાશે તેમજ સ્ટાફ કેવી રીતે ચોકસાઈપૂર્ણ ગ્રેડિંગ કરી શકશે તેની સ્પષ્ટતા તેઓ કરી શક્યા ન હતા. આના પરિણામે, શાળાઓએ પોતાની રીતે મોક એક્ઝામ્સ લેવા યોજના ઘડી છે. સરકારી શાળાઓ એક્ઝામ્સ રેગ્યુલેટર Ofqualના ગાઈડન્સની રાહ જોઈ રહી છે  ત્યારે, ખાનગી શાળાઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવતા થાય ત્યારે તેઓ આવી પરીક્ષા યોજાશે અને કેટલાક વિદ્યાર્થીઓ આ ઉનાળામાં યોજાનારી ઈન્ટરનેશનલ GCSEs માં પણ બેસી શકે છે.

દરમિયાન, ITV News દ્વારા ૬,૦૦૦ શિક્ષકોનો પોલ લેવાયો હતો જેમાં, ૯૨ ટકાએ એજ્યુકેશન સેક્રેટરી વિલિયમસને તત્કાળ રાજીનામું આપવું જોઈએ તેવો મત દર્શાવ્યો હતો. વિલિયમસને અગાઉ શાળાઓ બંધ કરવાના મુદ્દે કાઉન્સિલો સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. આ પછી ખુદ તેમણે મધ્ય ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત, પરીક્ષાઓ બાબતે પણ તેઓ અસ્પષ્ટ રહ્યા છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter