લંડનઃ અત્યાર સુધી માત્ર વિશેષ લોકો માટે જ મનાતી આવેલી પ્રાચીન લેટિન ભાષાનો અભ્યાસ હવે સરકારી શાળાઓમાં પણ કરાવવાનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે નિર્ણય લીધો છે. નવા લેટિન એક્સેલન્સ પ્રોગ્રામ માટે ૪ મિલિયન પાઉન્ડ ફાળવાયા છે. બ્રિટિશ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ૪૯ ટકા ખાનગી શાળાઓમાં પ્રાચીન લેટિન ભાષાનો અભ્યાસ કરાવાય છે તેની સરખામણીએ માત્ર ૨.૭ ટકા સરકારી સેકન્ડરી સ્કૂલ્સમાં આનો અભ્યાસ કરાવાય છે.
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાના માનવા અનુસાર લેટિન ભાષાના અભ્યાસથી વિદ્યાર્થીઓને ફ્રેન્ચ જેવી આધુનિક વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ગત દાયકામાં સરકારી શાળાઓમાં ફ્રેન્ચ ભાષા શીખવાનું પ્રમાણ ઘણું ઘટ્યું છે. આ ઉપરાંત, ઈંગ્લિસ અને મેથ્સનું સ્તર સુધારવામાં પણ મદદ મળશે.
આગામી સપ્ટેમ્બરથી GCSEમાં લેટિન ભાષા લેનારાનું પ્રમાણ વધારવાના લક્ષ્ય સાથે ચાર વર્ષના પાઈલોટ લેટિન એક્સેલન્સ પ્રોગ્રામમાં ભાગ લેવા ઈંગ્લેન્ડની ૪૦ સરકારી શાળાની પસંદગી કરાશે. દરેક શાળાના સ્ટાફને તાલીમ અપાશે અને ૧૧-૧૬ વયજૂથના બાળકોને લેટિન શીખવવા ક્લાસરુમ રિસોર્સીસ પણ આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં રોમન હેરિટેજ સાઈટ્સની મુલાકાતો જેવી પ્રવૃત્તિનો સમાવેશ કરાશે જેનાથી વિદ્યાર્થીઓને ક્લાસિક્સ અને પ્રાચીન વિશ્વના જીવન વિશે ઊંડુ જ્ઞાન મળી શકે.
લેટિન એક્સેલન્સ પ્રોગ્રામને સરકારી શાળાઓમાં ચીનની મેન્ડેરિન ભાષા શીખવવા ૨૦૧૬માં લોન્ચ કરાયેલા મેન્ડેરિન એક્સેલન્સ પ્રોગ્રામ જેવો રખાશે. દેશની ૭૫થી વધુ શાળાઓમાં ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થી મેન્ડેરિન ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે અને એજ્યુકેશન વિભાગ તેને વધુ ત્રણ વર્ષ લંબાવવા માગે છે.