લંડનઃ આજકાલ સોશિયલ મીડિયા પર સંદેશાઓ મોકલવા-મેસેજિંગનો વ્યાપ વધવાથી સંવાદમાં અનેક ગણો વધારો થયો છે પરંતુ, તેની વિપરીત અસર અંગ્રેજી ભાષાના વ્યાકરણ પર પડી છે. ગત ૩૦ વર્ષમાં પરંપરાગત ગ્રામર લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયું છે અને નવા લખાણનાં ગ્રામરે જન્મ લીધો છે, જેમાં વપરાતા શબ્દો પ્રોગ્રેસિવ સ્પેલિંગ તરીકે ઉલ્લેખાય છે. જોકે, ઈંગ્લિશ ભાષાશાસ્ત્રીઓ નવી લખાણપદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે.
લેન્કેસ્ટર યુનિવર્સિટીના સંશોધનના મુખ્ય આલેખક ડો.વેલકવે બ્રેઝિનિઆના કહેવા અનુસાર ગત ૩ દાયકામાં ટેક્નોલોજીમાં જોરદાર પરિવર્તને આપણા સંવાદની રીતભાતને બદલી નાખી છે. ટેક્નોલોજી સંબંધિત વીલૉગ, ફિટબિટ અને બિટકોઈન જેવા શબ્દો લોકપ્રિય થયા છે જે અગાઉ પ્રચલિત ન હતા. શબ્દમર્યાદા ધરાવતા ટ્વિટર જેવાં ઓનલાઇન પ્લેટફોર્મમાં તો અંગ્રેજી ગ્રામરના ‘એપોસ્ટ્રોફી એસ(‘s)’નો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો છે. સોશિયલ મીડિયામાં whom (હૂમ)નો ઉપયોગ ૫૨ ટકા તેમજ shall (શેલ), must (મસ્ટ) અને may (મે) શબ્દનો ઉપયોગ અનુક્રમે ૬૦ ટકા, ૪૦ ટકા અને ૪૧ ટકા ઘટી ગયો છે. Mr. અને Mrs. શબ્દનો ઉપયોગ અનુક્રમે ૩૫ અને ૫૭ ટકા ઘટ્યો છે. બીજી તરફ, ‘omg’ (oh my god), ‘tbh’(to be honest) અને ‘defo’ (definitely) જેવાં ટુંકાક્ષરી શબ્દોનો ઉપયોગ વધી રહ્યો છે.
લેન્કેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ ૧૯૯૦ના દાયકાના આરંભથી અત્યાર સુધીના સમયગાળામાં શબ્દોના ઉપયોગનું વિશ્લેષણ કરવા ૧૦૦ મિલિયન શબ્દોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.