લંડનઃ યુકે સરકારની મુખ્ય નેશનલ ટ્યુટરિંગ સ્કીમ હેઠળ અંગ્રેજ વિદ્યાર્થીઓને ભણાવવા શ્રીલંકામાં ૧૮ વર્ષથી ઓછી વયના ટ્યુટર્સનો ઉપયોગ કરાય છે અને તેમને પ્રતિ કલાક ૧.૫૭ પાઉન્ડ જેટલું તદ્દન નજીવું વળતર અપાય છે. આ બાબતે ઉહાપોહ થતાં યુકેએ ૧૮ વર્ષથી ઓછી વયના ટ્યુટર્સનો ઉપયોગ બંધ કરાવી દીધો છે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી સ્કૂલના વંચિત બાળકોને મેથ્સ ભણાવવા માટે સરકારના નેશનલ ટ્યુટરિંગ પ્રોગ્રામ (NTP) દ્વારા શ્રીલંકામાં ૧૭ વર્ષ જેટલી નાની વયના ટ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમને પ્રતિ કલાક ૧.૫૭ પાઉન્ડ જેટલી તદ્દન નજીવી રકમ ચૂકવાય છે. આનો ઘટસ્ફોટ થતાં સરકારના શિક્ષણ વિભાગે ૩૫૦ મિલિયન પાઉન્ડના NTP માટે ૧૮ વર્ષથી ઓછી વયના ટ્યુટર્સનો ઉપયોગ તત્કાળ બંધ કરવાની અને આગામી વર્ષે ઓવરસીઝ ટ્યુટર્સના ઉપયોગની સમીક્ષાની જાહેરાત કરી હતી.
આ યોજનાના ટીકાકારોએ કહ્યું હતું કે મહામારી દરમિયાન શાળાઓ બંધ રહેવાથી શિક્ષણને ગયેલા નુકસાનને ભરપાઈ કરવા ગયા વર્ષે જાહેર કરાયેલા ૧.૭ બિલિયન પાઉન્ડના કેચ-અપ ફંડનું હિસ્સારુપ આ ભંડોળ સીધું સ્કૂલોને મળવું જોઈએ જેથી તેઓ ખાનગી પ્રોવાઈડર્સ સિસ્ટમના બદલે પોતાના જ ટ્યુટર્સ પાસે કામ કરાવી શકે.
NTP દ્વારા ૩૩ ટ્યુશન પ્રોવાઈડર્સને માન્યતા અપાઈ છે જેમાંના એક થર્ડ સ્પેસ લર્નિંગ (TSL) મારફત શ્રીલંકાસ્થિત ટ્યુટર્સ પૂરા પડાય છે. નવેમ્બરમાં આ પ્રોગ્રામ લોન્ચ કરાયો પછી TSL દ્વારા ૮૦૦થી વધુ શાળાઓને સપોર્ટ કરાય છે તેમ NTPએ જણાવ્યું હતું. શ્રીલંકાના એક અને ભારતના બે પાર્ટનર સેન્ટરમાં ટ્યુટર્સની વય ૧૭ જેટલી ઓછી હોય છે અને તેમને પ્રતિ ટ્યુશન સેશન ૪૨૫ શ્રીલંકન રુપિયા ચૂકવાય છે જે પ્રતિ કલાક ૧.૫૭ પાઉન્ડ જેટલા થાય છે.