‘હેમલેટ’, ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ અને ‘પરસ્યુએશન’ નવલકથા વાંચવાથી હતાશા અને હિંસાના ભાવના વધે છે

શેક્સપિઅર, જોનાથન સ્વિફ્ટ અને જેન ઓસ્ટિનની ક્લાસિક નવલકથાઓ પર પ્રતિબંધ લાગશે

Tuesday 19th July 2022 13:59 EDT
 
 

લંડનઃ અંગ્રેજી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકારો શેક્સપિઅર, જોનાથન સ્વિફ્ટ અને જેન ઓસ્ટિનની ક્લાસિક નવલકથાઓ ‘હેમલેટ’, ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ અને ‘પરસ્યુએશન’ વાંચવાથી વિદ્યાર્થીઓમાં હતાશા, આત્મહત્યાની માનસિકતા, જાતિવાદ અને હિંસાની ભાવના સર્જાતી હોવાની ચેતવણી બ્રિટનની ઓપન યુનિવર્સિટી દ્વારા અપાઈ છે અને તેમના અભ્યાસ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે. જોકે, જેન ઓસ્ટિનની જ અન્ય નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ આ યાદીમાંથી બહાર રખાઈ છે.

ઓપન યુનિવર્સિટીમાં ‘ઈંગ્લિશ લિટરેચર ફ્રોમ શેક્સપિઅર ટુ ઓસ્ટિન’ના મોડ્યુલ હેઠળ ક્લાસિક નવલકથાઓનો અભ્યાસ કરાવાય છે. યુનિવર્સિટીની સમિતિ અનુસાર વિલિયમ શેક્સપિઅરની ‘હેમલેટ’, જોનાથન સ્વિફ્ટની ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ અને જેન ઓસ્ટેનની નવલકથા ‘પરસ્યુએશન’ના વાંચનથી વિદ્યાર્થીઓમાં હતાશા, આત્મહત્યાની પ્રવૃત્તિ, જાતિવાદ અને હિંસાની ભાવના પેદા થાય છે. આ ત્રણ નવલકથામાં એવાં કેટલાંક ઉદાહરણો અપાયાં છે જેનાથી કેટલાક વિદ્યાર્થીઓના મન પર નકારાત્મક અસર પડી શકે છે. સમિતિના સૂચનના પગલે હવે આ ત્રણ નવલકથાના પહેલા પેજ પર ચેતવણી પણ પ્રકાશિત કરવામાં આવી છે.

શેક્સપિઅરના મશહૂર નાટક ‘જુલિયસ સિઝર’ અને ‘એઝ યુ લાઈક ઈટ’ તેમજ ‘અરેબિયન નાઇટ્સ’ અને ફ્રેન્ચ સાહિત્યકાર મોઈલેરની કૃતિઓની પ્રસ્તાવનામાં પણ આવી ચેતવણી પ્રકાશિત કરાઇ છે. જેન ઓસ્ટિનની ક્લાસિક નવલકથા ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ’ નવલકથાથી વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડતી ન હોવાનું જણાવી તેને પ્રતિબંધોની શ્રેણીમાં સામેલ કરાઈ નથી. કેટલાક વિવેચકોએ આ નિર્ણયનો વિરોધ કરી તેને મૂર્ખતાભર્યું પગલું ગણાવી કહ્યું છે કે આ પ્રકારના પ્રતિબંધથી વિદ્યાર્થીઓ વિશ્વના કેટલાક સર્વશ્રેષ્ઠ સાહિત્યના વાંચનથી વંચિત રહેશે અને વિદ્યાર્થીઓ પર વિપરીત અસર પડશે.

યુકેની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના સૌથી વધુ વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આવશ્યક ક્વોલિફિકેશન વિનાના યુવાવર્ગને ડીગ્રી મળવામાં મદદ થઈ શકે તે માટે 1969માં ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. અહીં અભ્યાસ કરતા ત્રણમાંથી એક અંડરગ્રેજ્યુએટ 25 વર્ષથી ઓછી વયના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter