લંડનઃ આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા રસીકરણ માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યાં છે. આ વર્ષે સ્કૂલ્સના ધોરણો ૧-૨માં જતાં ૨-૪ વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ રહી છે અને શાળાના ત્રીજા ધોરણ સુધી તેનું વિસ્તરણ કરાશે.
જોકે, રસી અપાવવાની થાય તેવાં બાળકોનાં પેરન્ટ્સનાં સર્વેમાંથી જાણવા મળ્યું છે કે ૧૦માંથી આશરે ચાર પેરન્ટ નેસલ સ્પ્રે વિશે માહિતગાર નથી. આથી, પેરન્ટ્સ અને સગર્ભાઓ સહિતના જોખમી જૂથોમાં રસીકરણ વિશે જાગૃતિ પેદા કરવા કેમ્પેઈન શરૂ કરાયું છે. બાળકોને દર વર્ષે રસી અપાવવી જરૂરી હોવાનું ૫૫ ટકા પેરન્ટ્સ સમજતાં હોવાં છતાં, લગભગ આઠમાંથી એક પેરન્ટ રસી અપાવવાનો વિચાર જ કરતા નથી અથવા તેમના બાળકોને કદી ફ્લુ થયો નથી તેવા વિચારે રસી અપાવવાનું ટાળે છે.
બાળકોમાં પણ ફ્લુના પુખ્ત વ્યક્તિ જેવાં જ લક્ષણો જેવાં કે, તાવ, ટાઢ, સ્નાયુમાં દુઃખાવો, માથાનો દુઃખાવો અને ગળામાં ખરાબી સહિતના લક્ષણ જોવાં મળે છે. ત્રણમાંથી એક કરતા વધુ પેરન્ટ્સ માને છે કે તેમનું બાળક થોડાં દિવસમાં ફ્લુમાંથી સાજું થઈ જશે. હકીકત એ છે કે ઘણી વખત બાળક સાજું થાય તે પહેલા એક સપ્તાહ સુધી પથારીમાં આરામ કરવાની ફરજ પડે છે. કેટલાંક બાળકોને ભારે તાવ આવે છે અથવા બ્રોન્કાઈટિસ કે ન્યુમોનિયા જેવાં ફ્લુના કોમ્પ્લિકેશન્સ લાગુ પડે છે. અન્ય કોઈ વયજૂથની સરખામણીએ પાંચ વર્ષ સુધીના વયજૂથના બાળકોને ફ્લુના કારણે હોસ્પિટલમાં દાખલ કરાવવા પડે તેવું જોખમ વધુ રહે છે.
બાળકોને રસી અપાવવાથી ગ્રાન્ડપેરન્ટ્સ સહિત સમગ્ર પરિવારના લોકોને ફ્લુના ચેપના ફેલાવા સામે રક્ષણ મળે છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે ફ્લુ વધુ ખતરનાક બની રહે છે. આવી માંદગીમાં ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ, બ્રોન્કાઈટિસ અથવા એમ્ફીસેમા જેવાં શ્વસનતંત્રના લાંબા સમયના રોગો, હાર્ટ, કિડની અથવા લિવરના રોગ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ અથવા સેરેબ્રલ પાલ્સી જેવાં લાંબા સમયના ન્યુરોલોજિકલ ડિસીઝ અને ડાયાબીટિસનો સમાવેશ થાય છે.
સગર્ભા મહિલાઓ માટે પણ નિઃશુલ્ક ફ્લુ વેક્સિન મળે છે. સંશોધન દર્શાવે છે કે ગયા વર્ષે ૧૦માંથી ચાર સગર્ભા મહિલાએ ફ્લુ વેક્સિન લીધાં હતાં.
ધ બેલગ્રેવીઆ સર્જરીના ડો. ચિંતલ પટેલ કહે છે કે,‘પેરન્ટ્સની કલ્પના કરતા પણ ફ્લુ બાળકો માટે વધુ ખતરનાક બની શકે છે. ડેટા અનુસાર અન્ય કોઈ વયજૂથની સરખામણીએ પાંચ વર્ષથી નાના બાળકોને ફ્લુના કારણે હોસ્પિટલમાં દાખલ કરાવવા પડે તેવી શક્યતા વધુ રહે છે.’
વેલિંગ્ટન હેલ્થ સેન્ટરના ડો. સરલ આનંદે જણાવ્યું હતું કે,‘આપણે હકીકતો સ્પષ્ટપણે સમજવી જોઈએ કે ફ્લુ સગર્ભા સ્ત્રીઓ અને તેમનાં બાળક માટે ગંભીર મુશ્કેલીઓ સર્જી શકે છે. તેમને રક્ષણની મદદનો સૌથી સુરક્ષિત માર્ગ બંનેને ફ્લુ વેક્સિન આપવાનો છે.’
આ શિયાળામાં સાજાસમાં રહેવા માટે તમને અને તમારા પરિવારને કેવી રીતે મદદ કરી શકાય તેની વધુ જાણકારી મેળવવા www.nhs.uk/staywell વેબસાઈટની મુલાકાત લેશો.