લંડનઃ નેપાળના ભૂકંપગ્રસ્તો માટે શિશુકુંજ લંડન દ્વારા ભંડોળ એકત્ર કરવા હોપ ફોર નેપાળ કાર્યક્રમનું આયોજન શનિવાર, ૨૭ ફેબ્રુઆરીએ કરાયું હતું. સ્ટેનમોર ખાતે સ્વામીનારાયણ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ૬૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ ૨૦૧૫માં નેપાળમાં ત્રાટકેલા વિનાશક ધરતીકંપના અસરગ્રસ્તો માટે આવશ્યક નાણાભંડોળ એકત્ર કરવાનો હતો.
તદ્દન સાદા કાર્યક્રમમાં પરંપરાગત ભોજન ઉપરાંત, શિશુકુંજના યુવાન અને વૃદ્ધ સભ્યો દ્વારા ભજનો અને પ્રોજેક્ટની સમજણ આપતી રજૂઆતનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમની એટલી સરાહના થઈ હતી કે તે રાત્રે જ શિશુકુંજને ૫૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત, સ્વામીનારાયણ મંદિરે પણ ૩૫,૦૦૦ પાઉન્ડ સહાયની ખાતરી આપી હતી. નવેમ્બર ૨૦૧૫માં ડાન્સેથોનમાં ૫,૫૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા.
આમ, ભૂકંપ પછીની આફતથી અસરગ્રસ્ત અંતરિયાળ કોમ્યુનિટીના બાળકોમાં આશાનો સંચાર કરવા શિશુકુંજ લંડન દ્વારા કુલ ૯૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. આ નાણાનો ઉપયોગ નેપાળના ભૂકંપથી તારાજ ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં ૨૨ શાળા (૯૯ વર્ગખંડ)ના પુનર્નિર્માણમાં કરાશે, જેના પરિણામે નેપાળી બાળકોને શિક્ષણ થકી સાચા ભાવિનિર્માણની તક સાંપડશે.
કાર્યક્રમના આયોજક નીલ શાહે કહ્યું હતું કે,‘અદ્ભૂત! અતિ ઉમદા ધ્યેય માટે ખુલ્લા દિલે ૧૧૦ ટકા આપી આ કાર્યક્રમને અપ્રતિમ સફળતા અપાવવા આટલા બધા પ્રેરણાત્મક આત્માઓ સહાયમાં આવ્યા છે તેનાથી હું ગદગદિત છું. હું આ કાર્યક્રમ, શિશુકુંજ અને આટલા બધા અતુલનીય લોકો સાથે સંકળાવા બદલ ગૌરવ અનુભવું છું.’
જો આપ આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા રસ ધરાવતા હો તો મહેરબાની કરી વેબસાઈટ http://uk.virginmoneygiving.com/hopefornepal ની વિઝિટ કરો અથવા વધુ માહિતી માટે www.shishukunj.org.uk ની મુલાકાત લેશો.