શીખ અને યહૂદીને વંશીય સમુદાય ગણવા કોમન્સમાં ખરડો રજૂ કરાયો

સરકાર દ્વારા શીખ અને યહૂદીના ડેટા એકત્ર ન કરાતા હોવાનો સાંસદ પ્રીત કૌર ગીલનો આરોપ

Wednesday 11th December 2024 05:44 EST
 

લંડનઃ લેબર સાંસદ પ્રીત કૌર ગીલે હાઉસ ઓફ કોમન્સમાં શીખ અને યહૂદીને જાહેર સેવાઓ આપવાના હેતૂથી તૈયાર કરાતા પબ્લિક સર્વિસ ડેટા કલેક્શન માટે વંશીય સમુદાયો તરીકે વર્ગીકૃત કરવા એક ખરડો રજૂ કર્યો છે. પબ્લિક બોડી એથનિસિટી (ઇન્ક્લુઝન ઓફ જ્યુ એન્ડ શીખ કેટેગરી) બિલ રજૂ કરતાં ગીલે જણાવ્યું હતું કે, યહૂદી અને શીખ સમુદાયોને ઇક્વાલિટી એક્ટ 2010 અંતર્ગત વંશીય અને ધાર્મિક સમુદાયો ગણાય છે. યુકે સરકાર દ્વારા યહૂદી અને શીખના આંકડા એકઠાં કરાતા નથી તે એક મૂળભૂત મૂર્ખતા છે. યહૂદી અને શીખોનો ફક્ત ધાર્મિક ડેટા જ એકત્ર કરાય છે. તેના કારણે સ્થાનિક સરકારો જાહેર સેવાઓ આપવા માટેના નિર્ણયો લઇ શક્તી નથી.

ગીલે જણાવ્યું હતું કે પરાણે પ્રાપ્ત થતી માહિતી અનુસાર શીખ અને યહૂદી સમુદાયોમાં મૃત્યુદર અન્ય સમુદાયો કરતાં ઘણો ઊંચોછે. 2018માં લંડનમાં થયેલા હોમલેસ વ્યક્તિના મોતમાં શીખોની ટકાવારી 5.3 ટકા હતી જ્યારે આમ જનતામાં આ ટકાવારી ફક્ત 1.3 ટકા હતી. યુકેના 27 ટકા શીખ કહે છે કે તેમમના પરિવારમાં દારૂનો વ્યસની છે. જાહેર સેવાની વાત આવે ત્યારે લોકલ કાઉન્સિલો અમને ડેટામાં સામેલ કરતી નથી.

આ ખરડાને હાઉસ ઓફ કોમન્સે મંજૂરી આપી દીધી હતી. હવે તેનું સેકન્ડ રિડીંગ 7 માર્ચ 2025ના રોજ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter