આપણી માતૃભાષા ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે પરીક્ષા બોર્ડ અો.સી.આર. વિચાર કરી રહ્યું છે અને દિન પ્રતિદિન આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે જાગૃતી લાવવા અને અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા એક બેઠકનું આયોજન 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'સંગત સેન્ટર' દ્વારા આગામી તા. ૪ જુલાઇ ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૨ થી ૫ દરમિયાન સંગત સેન્ટર, ૨૮, સેનક્રોફટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો HA3 7NSખાતે કરવામાં આવ્યું છે.
આપણે બધાયે સાથે મળીને જો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહેનત કરીશું તો આ પ્રશ્નનો હલ લાવવામાં જરૂર સફળતા સાંપડશે. આ બાબતે મિટિંગ લંડનમાં યોજાઇ રહી છે જેમાં પધારવા ગુજરાતી ભાષાનું શિક્ષણ આપતી તમામ શાળાઅોના અગ્રણીઅો, શિક્ષકો તેમજ ગુજરાતી ભાષાના વિકાસ, પ્રસાર અને પ્રચારમાં રસ ધરાવતા સૌને નિમંત્રણ છે.
યુ.કે.ભરમાં પરીક્ષાર્થીઓ ઘણાં વર્ષોથી જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો આપે છે. આ પરીક્ષાઓ 'ઓ.સી.આર.’ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. પરંતુ ઓ.સી.આર.એ જાહેર કર્યું છે કે ૨૦૧૬ની પરીક્ષાઓ પછી તેઓ જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો લેવી કે નહિં તે માટે વિચાર કરી રહ્યાં છે. અો.સી.આર.ના અધિકારીઅોનું કહેવું છે કે જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો માટે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઅોની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો થયો છે. આને કારણે અો.સી.આર. પર આર્થિક બોજો વધી રહ્યો છે. આટલું જ નહિં ગુજરાતી ભાષાના પરીક્ષકોની અછતનો પણ સામનો કરી રહ્યા છે.
બીજું કે વર્ષ ૨૦૧૭થી બધી ભાષાઓના અભ્યાસક્રમ બદલાઇ રહ્યા છે. એટલે કે અો.સી.આર.ને જો ગુજરાતી ભાષા ચાલુ રાખવી હશે તો તેનો નવો અભ્યાસક્રમ તૈયાર કરવો પડશે. આ બધા સંજોગોને ધ્યાનમાં લેતા અોસીઆર વિચારી રહ્યું છે કે ગુજરાતી ભાષાનો નવો અભ્યાસક્રમ તૈયાર કરવો કે નહિં. અો.સી.આર. માટે આ એક અગત્યનો અને જરૂરી પ્રશ્ન બની ગયો છે.
ગુજરાતી અને અન્ય ભાષાઓ સામેના આ જોખમ સામે દેશના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એડ્યુકેશન સુશ્રી નિકી મોર્ગને વચન આપ્યું છે કે 'તેઅો ઓ.સી.આર.ને આ બાબતે ગંભીરતાથી વિચારી પરીક્ષાઓ બંધ નહી કરવા અને તે માટે શક્ય હોય એવા તમામ પગલા લઈ ગુજરાતી અને અન્ય એથનીક ભાષાઅોની પરીક્ષાઓને ચાલુ રાખવા જણાવશે'. વર્તમાન સરકારે પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતી અને અન્ય એથનીક ભાષાઅોની જીસીએસઇ અને 'એ' લેવલની પરીક્ષાઅો ચાલુ રાખવાની બાંહેધરી આપી હતી.
ઓ.સી.આર. ચીફ એક્ઝીક્યુટીવ શ્રી માર્ક ડોવે જણાવ્યું છે કે 'સરકાર તરફથી એમને સ્પષ્ટ સુચનો મળેલ છે કે દરેક એથનીક ભાષાનું રક્ષણ થવું જોઈએ અને આ બાબતે ઉકેલ લાવવા અમે બનતા પ્રયાસો કરી રહ્યા છીએ.'
મિત્રો, અો.સી.આર. અને સરકારની નીતિને જોતાં આપણે માની લઈએ કે ગુજરાતી ભાષાની જી.સી.એસ.ઇ. અને એ-લેવલની પરીક્ષાઓનો સુખદ ઉકેલ આવશે. પરંતુ, જો ગુજરાતી ભાષાના જી.સી.એસ.ઇ. અને 'એ' લેવલની પરીક્ષા આપતા વિદ્યાર્થીઅોની સંખ્યા ભવિષ્યમાં પણ ઘટતી જ રહેશે તો આજ પ્રશ્ન ફરી ફરીને આપણને સતાવશે? આપણે હવે.. આજથી જ.. 'જાગ્યા ત્યારથી સવાર' માનીને 'પાણી પહેલા પાળ બાંધવા'ની જરૂર છે. આપણા વધુને વધુ બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં દાખલ થાય અને ખૂબજ સારી રીતે ધગશપૂર્વક ગુજરાતીનો અભ્યાસ કરે તે માટે જરૂરી તમામ પગલા લેવા જોઇએ.
આપણી માતૃભાષા ગુજરાતી માટે આપણે અને આપણા સમાજે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. આ માટે સ્થાનિક સ્તરે અન્ય તમામ પ્રયાસો શરૂ થઈ ગયા છે અને આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે મહત્વ આપવું જરૂરી છે. ગુજરાતી ભાષા બોલતા આપણે સૌ અને ગુજરાતી સમાજ એકતા રાખીને આગળ વધશે તો આપણને જરૂર સફળતા મળશે. આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને વિચારોની આપલે કરીએ અને ગુજરાતી ભાષાના પરીક્ષાર્થીઓ અને શાળાઅોમાં ભાષા શિખતા બાળકોની સંખ્યામાં કઇ રીતે વધારો કરી શકાય એની ચર્ચા કરીએ.
વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 07875 229 211 / 020 7749 4001