લંડનઃ યુકેના કેર સેક્ટરમાં કામ કરવા આવેલા અને કંપનીઓ દ્વારા છેતરાયેલા ભારતીયો સહિતના વિદેશી નાગરિકો માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે. બ્રિટિશ કેર કંપની દ્વારા કાઢી મૂકાયેલ એક ભારતીય નર્સનો કંપની સામેના કેસમાં નોંધપાત્ર વિજય થયો છે. વકીલોએ જણાવ્યું છે કે કંપનીઓ દ્વારા છેતરાયેલા માઇગ્રન્ટ વર્કર્સના દાવાઓમાં વધારો થઇ શકે છે.
2022માં કેર સેક્ટરમાં પ્રવર્તતી કર્મચારીઓની અછત પૂરવા માટે તત્કાલિન ટોરી સરકારે નવો વિઝા રૂટ શરૂ કર્યો હતો જે અંતર્ગત યુકેના કેર સેક્ટરમાં કામ કરવા એક લાખ કરતાં વધુ વિદેશી કામદારો બ્રિટન પહોંચ્યાં હતાં. તેમાં ભારતના કિરણકુમાર રાઠોડનો પણ સમાવેશ થતો હતો. જોકે સરકારની આ યોજનાના ટીકાકારો કહે છે કે યોજનાના અમલ બાદ કર્મચારીઓના શોષણમાં પણ વધારો થયો હતો.
કિરણકુમાર રાઠોડે જણાવ્યું હતું કે, લંડન સ્થિત ક્લિનિરા પ્રાઇવેટ હેલ્થકેર લિમિટેડે તેમને નોકરી પર રાખ્યા હતા પરંતુ તેમને કોઇ કામ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગઇ હતી અને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા.
9 સપ્ટેમ્બરના સોમવારના રોજ એમ્પ્લોયમેન્ટ જજ નતાશા જોફેએ અસામાન્ય ચુકાદામાં ક્લિનિકા પ્રાઇવેટ હેલ્થકેર લિમિટેડને કિરણકુમારને અત્યાર સુધી વણચૂકવાયેલા વેતન પેટે 17000 પાઉન્ડ ચૂકવવા અને તેમને નોકરીમાંથી અન્યાયી રીતે હાંકી કાઢવાના દાવાનો નિકાલ ન થાય ત્યાં સુધી પગાર ચૂકવતા રહેવાનો આદેશ આપ્યો હતો.
રાઠોડના સોલિસિટર શર્મિલા બોઝે જણાવ્યું હતું કે, આ અત્યંત મહત્વનો ચુકાદો છે. વિઝા સ્કીમનો ખોટી રીતે ભોગ બનેલા ઘણા માઇગ્રન્ટ વર્કર્સને ન્યાય મળી શકે છે. આ ચુકાદો રાઠોડ માટે લાઇફસેવર છે. ક્લિનિકાના વલણના કારણે રાઠોડ અને તેમનો પરિવાર કપરા આર્થિક સંકટમાં સપડાયાં હતાં.
ચુકાદા બાદ રાઠોડે જણાવ્યું હતું કે, ચુકાદાથી મોટી રાહત મળી છે. ક્લિનિકા એ મને કામ અને વેતન આપવાનો ઇનકાર કરી દેતાં હું ગંભીર આર્થિક મુશ્કેલીમાં મૂકાયો હતો. હું મારા પરિવારનું ગુજરાન પણ ચલાવી શક્તો નહોતો.
કાયદાના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જજ દ્વારા વચગાળાની રાહત અપાઇ હોય તેવો આ અત્યંત અસામાન્ય કિસ્સો છે. ચુકાદો સ્પષ્ટ સંકેત આપે છે કે કિરણકુમાર રાઠોડ સેટ્રલ લંડન એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં કેસ જીતી જશે.
કિરણકુમારે જણાવ્યું હતું કે, બ્રિટનમાં જોબ મેળવવા માટે મેં ભારતમાં એજન્ટને 22,000 પાઉન્ડ ચૂકવ્યા હતા પરંતુ ક્લિનિકાએ તેને આ અંગે કોઇ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો. મે 2023માં બ્રિટન આવ્યા પછી કિરણકુમારને હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને વાર્ષિક 23500 પાઉન્ડનો પગાર નક્કી કરાયો હતો. પરંતુ કામ ન મળતાં રાઠોડ અને અન્યોએ કંપનીના વારંવાર ધક્કા ખાધા હતા. એક દિવસ તેમને અચાનક નોકરીમાંથી હાંકી કાઢતો ઇમેલ પ્રાપ્ત થયો હતો.
માઇગ્રન્ટ વર્કર્સને મદદ કરી રહેલા વર્ક રાઇટ સેન્ટરે જણાવ્યું હતું કે, અમે અલગ અલગ કંપનીઓ સાથે સંકળાયેલા આવા 3 માઇગ્રન્ટ વર્કરની મદદ કરી રહ્યાં છીએ. આ વર્ષે 60 કરતાં વધુ માઇગ્રન્ટ વર્કરે સમાન સ્થિતિ માટે અમારો સંપર્ક કર્યો છે. બોઝ કહે છે કે કેટલીક કંપનીઓએ નોકરીઓ ન હોવા છતાં મોટી સંખ્યામાં વિદેશી કર્મચારીઓની નિયુક્તિ કરી હતી. આ પ્રકારે અસર પામેલા લોકોની સંખ્યા હજારોમાં છે.
લેબર એક્સપર્ટ્સના જણાવ્યું હતું કે થોમસન રૂઇટર્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે કેર સેક્ટરમાં શોષણ વ્યાપક છે. પરંતુ મોટાભાગના માઇગ્રન્ટ્ વર્કર્સ વિઝા ગુમાવવા અને દેશનિકાલના ભયે ફરિયાદ કરતાં નથી.