લંડનઃ યુકેના જસ્ટિસ મિનિસ્ટર અને સાંસદ શૈલેશ વારાએ શ્યામજી કૃષ્ણ વર્માને ઓનરેબલ સોસાયટી ઓફ ઈનર ટેમ્પલમાં પુનઃસ્થાપિત કરતું મરણોત્તર પ્રમાણપત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કર્યું હતું. આ સાથે એક ઐતિહાસિક અન્યાયને દૂર કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સના બારમાં કોણ પ્રેક્ટિસ કરી શકે તેનો નિર્ણય ઈનર ટેમ્પલ સહિત ચાર ઈન્સ ઓફ કોર્ટના હસ્તક છે.
શ્યામજી કૃષ્ણ વર્મા ૧૮૮૪માં બારમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ભારતીય હતા. જોકે, એક સદી કરતા વધુ વર્ષ અગાઉ ભારતીય હોમ રુલની હિમાયત કરતો પત્ર ટાઈમ્સ ન્યૂઝપેપરને લખ્યા બાદ તેમને ૧૯૦૯માં ઈનર ટેમ્પલની સનદ પાછી ખેંચી લેવાઈ હતી. વડા પ્રધાન મોદી શ્યામજી કૃષ્ણ વર્માના ખાસ ચાહક છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ૨૦૦૩માં સ્વીટ્ઝર્લેન્ડ જઈ વર્મા અને તેમના પત્ની ભાનુમતી વર્માના અસ્થિ પરત લાવ્યા હતા. માત્ર સ્વતંત્ર ભારતમાં જ પાછા ફરવાની તેમની ઈચ્છા આ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
ઓનરેબલ સોસાયટી ઓફ ઈનર ટેમ્પલને ગેરઈન્સાફ થયો હોવાનું સમજાયું હતું અને અન્યાયને દૂર કરવા ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ ખાતે વડા પ્રધાન ડેવિડ કેમરન અને ઈનર ટેમ્પલના ઉપ-ખજાનચી પેટ્રિક મેડ્ડમ્સની હાજરીમાં પુનઃસ્થાપના પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
શૈલેશ વારાએ જણાવ્યું હતું કે,‘ શ્યામજી કૃષ્ણ વર્માને બારમાં મરણોત્તર પુનઃસ્થાપિત કરાયા તેનો મને આનંદ છે. આમ કરવું જ યોગ્ય હતું. તેઓ ભારતના ગુજરાત રાજ્યના હતા અને બ્રિટનના પ્રથમ ગુજરાતી મિનિસ્ટર અને ખુદ ધારાશાસ્ત્રી હોવાથી તેમની પુનઃસ્થાપનાનો મને વિશેષ આનંદ છે.’