લંડનઃ બ્રિટન અને ભારતના સહિયારા ઇતિહાસના અભ્યાસ અને સાહિત્યમાં યોગદાન માટે કોલકાતામાં જન્મેલા ઇતિહાસકાર-લેખક શ્રબાની બાસુને યુનિવર્સિટી ઓફ લંડન દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયાં છે. યુનિવર્સિટી ખાતે ગયા મંગળવારે આયોજિત ગ્રેજ્યુએશન સેરેમનીમાં તેમને આ માનદ પદવી એનાયત થઇ હતી. લંડન સ્થિત આ લેખકની બેસ્ટ સેલર પુસ્તકો સ્પાય પ્રિન્સેસઃ ધ લાઇફ ઓફ નૂર ઇનાયત ખાન અને વિક્ટોરિયા એન્ડ અબ્દુલઃ ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ ક્વીન્સ ક્લોઝેસ્ટ કોન્ફિડન્ટ રહી હતી. કિંગ ચાર્લ્સ તૃતીયના બહેન અને યુનિવર્સિટીના ચાન્સેલર એવા પ્રિન્સેસ એન દ્વારા બસુને આ પદવી એનાયત કરાઇ હતી. શ્રબાની બસુ ભારતમાં નવી દિલ્હી સ્થિત સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસનો સ્નાતક સ્તરનો અભ્યાસ કરી ચૂક્યાં છે. 1980ના દાયકામાં તેઓ પત્રકાર તરીકે યુકે આવ્યા હતા.