શ્રીયેનને અની કરતા વધુ પસંદ હતી ગે વેબસાઈટ

Monday 13th October 2014 05:22 EDT
 

અનીની હત્યા પછી મૃતદેહ હાથ લાગ્યો ત્યારે પણ તે સમલિંગી અને અંધશ્રદ્ધાળુ વેબસાઈટ્સ નિહાળતો હતો. હત્યા પછી સોમવારની વહેલી સવારે તેના કોમ્પ્યુટરમાં લોકપ્રિય ગે ડેટિંગ વેબસાઈટGaydarપર લાંબા સમય સુધી લોગિંગ કર્યું હતું. આ જ સાંજે પણ તેણે આ વેબસાઈટ નિહાળી હતી. અનીના મૃતદેહ સાથે યુકે પાછા ફરવાના થોડાં કલાકો પહેલા પણ તે કટ્ટર અંધશ્રદ્ધાળુ વેબસાઈટ Recon અને Gaydarપર લોગ ઓન થયાંનું કોમ્પ્યુટર પર જણાયું હતું. પત્નીની અંતિમવિધિના દિવસે તેણે Gaydarનું છ વર્ષનું લવાજમ રદ કરાવ્યું હતું. દેવાણીનું કોમ્પ્યુટર આપમેળે આ વેબસાઈટ્સ સાથે કનેક્ટ થતું હોવાની દલીલો બચાવપક્ષ દ્વારા કરાય તેવી ધારણા છે. અનીના અપહરણ અને હત્યા સંબંધિત ટ્રાયલના ભાગરૂપે દેવાણીની કબૂલાતોના દસ્તાવેજોના સમૂહમાં આ બાબતો જાહેર થઈ છે. ટ્રાયલના આરંભે નિવેદનમાં દેવાણીએ કહ્યું હતું કે તેની પત્નીનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરાયા પછી રવિવારે સવારે તેણે પૂજારી સાથે વાતચીત કરવા હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.

શ્રીયેને અનીના પ્રેમભર્યા પ્રસ્તાવો ઠુકરાવ્યા હતા

અની દેવાણીની પિતરાઈ બહેન સ્નેહા હિન્ડોચા (મશરુ)એ સાઉથ આફ્રિકન વેબસાઈટ iol.co.zaપર લીક થયેલા કથિત નિવેદન અનુસાર જણાવ્યું હતું કે દેવાણીએ બે વખત અનીના સેક્સ પ્રસ્તાવો ઠુકરાવી દીધાં હતાં. લગ્ન પહેલા અનીના સ્ટોકહોમ ફ્લેટમાં તેમ જ સ્ટોકહોમ હિલ્ટનના સ્યૂટમાં બંને રોકાયા હતા, ત્યારે શ્રીયેને અનીનાં સેક્સ પ્રસ્તાવોને ધુતકારી કાઢ્યાં હતાં. અમીને આનાથી ક્ષોભ અને પીડા થઈ હતી અને અમને બનંને તે વિચિત્ર લાગ્યું હતું. શ્રીયેન કુંવારો હશે અનેતે લગ્ન પહેલા આવો સંબંધ બાંધવા નહિ ઈચ્છતો હોય, તેમ સ્નેહાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. સ્નેહાએ એવો દાવો કર્યો હતો કે બ્રિસ્ટલમાં દેવાણી અને હિન્ડોચા પરિવારો વચ્ચે બેઠકમાં અનીને સગાઈ માટે ફરજ પાડવામાં આવી હતી. દેવાણીની ભાભી કૃપા સંબંધને આશીર્વાદ આપવા આવી હતી. અની, તેનાં પેરન્ટ્સ અને મને આ વિચિત્ર લાગ્યું હતું.

સહઆરોપી ક્વાબેએ જૂબાનીમાં કહ્યું...........

બુધવાર, 8 ઓક્ટોબરે શ્રીયેનનો આમનોસામનો અનીની હત્યામાં ભૂમિકા ભજવનારા મ્ઝિવામાડોડા ક્વાબે સાથે ૧૩ નવેમ્બર, ૨૦૧૦ પછી પ્રથમ વખત થયો હતો. ક્વાબે અને ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને દેવાણી વિરુદ્ધ પૂરાવા આપવાની શરતે ઓછી સજા થઈ છે. ક્વાબેએ જૂબાનીમાં કહ્યું હતું કે, તેને ટોન્ગો તરફથી ફોન આવ્યો હતો.‘ તેણે કહ્યું હતું કે કોઈને કોઈની હત્યા કરાવવી છે અને આ માટે શું કિંમત થશે. મારા આરોપી સાથી ઝોલિલે મ્નજેનીએ ૧૫,૦૦૦ (૧,૩૦૦ પાઉન્ડ) રેન્ડમાં આ કામ કરવા જણાવ્યું હતું.’ આ ત્રણ વ્યક્તિ બીજા દિવસે મળ્યા ત્યારે, ‘ટોન્ગોએ કહ્યું કે એક પતિ તેની પત્નીની હત્યા કરાવવા માગે છે અને તે અપહરણ જેવું લાગવું જોઈએ. પત્નીની હત્યા થાય, પરંતુ પતિ અથવા ટોન્ગોને કશું થવું ન જોઈએ તેવી અમારી વાત હતી.’

હત્યા ક્યાં, કેવી રીતે કરવી તેની કોઈ સૂચના ન હતી

અની દેવાણીની હત્યા માટે સજા કરાયેલા મ્ઝિવામાડોડા ક્વાબેએ બચાવ પક્ષની ઉલટતપાસમાં કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, હુમલો કરવા માટે દેવાણીના ટુર ગાઈડ ડ્રાઈવર ઝોલા ટોન્ગો દ્વારા તેને અને તેના સાથીને ૧,૩૦૦ પાઉન્ડનું વચન અપાયું હતું. જોકે, હત્યા ક્યારે અને કેવી રીતે કરવી તેની કોઈ સૂચના અપાઈ ન હતી. તેણે અગાઉ, સોગંદ હેઠળ ખોટું બોલ્યાનું પણ સ્વીકાર્યું હતું.

હું અશ્લીલ, વિકૃત મગજનો અને તાબેદાર વ્યક્તિઃ શ્રીયેન

દેવાણીએ નિવેદનમા પોતાને અશ્લીલ અને વિકૃત તથા તાબેદાર વ્યક્તિ તરીકે ગણાવ્યો હતો અને તેને આ જ પ્રકારના સાથીની તલાશ હતી. શ્રીયેન દેવાણીએ હત્યાના થોડાં સપ્તાહ પછી નિવેદનમાં તે બાયસેક્સ્યુઅલ હોવાનો ઈનકાર કરી જણાવ્યું હતું કે તેને બદનામ કરવાના સાઉથ આફ્રિકન પોલીસના અભિયાનનો આ એક હિસ્સો છે. જોકે, કેપટાઉનમાં ટ્રાયલ શરૂ થવા સાથે તેણે બાયસેક્સ્યુઅલ હોવાનું સ્વીકારી લીધું હતું.

મ્નજેનીએ જીવલેણ ગોળીબાર કર્યો હતો

ક્વાબેએ જણાવ્યું હતું કે કાર આવી ત્યારે તે અને મ્નજેની સામે ધસી અંદર બળપૂર્વક ઘૂસી ગયા હતા, મ્નજેનીના હાથમાં હેન્ડગન હતી. તેણે નવદંપતીને ચૂપ રહેવા ધમકી આપી હતી. પહેલા ડ્રાઈવર ટોન્ગોને અને પછી દેવાણીને કારની બહાર ધકેલી દીધા હતા. ટોન્ગોએ પાછળની સીટ પર તેમના નાણા છુપાવ્યાની માહિતી આપી હતી. આ પછી, મ્નજેનીએ જીવલેણ ગોળીબાર કર્યો હતો. અની દેવાણીના મૃતદેહ સાથે કારને છોડી દેતાં પહેલા તેમણે વપરાયેલી બૂલેટનું કેસિંગ સોધી લીધું હતું. પ્રોસીક્યુટર એડ્રીઆન મોપે કરેલા પ્રશ્ન‘ તેણી જીવતી હતી કે મૃત તે તમે જોયું હતું? ના ઉત્તરમાં ક્વાબેએ જણાવ્યું હતું કે, ‘ મેં ખાસ ધ્યાન આપ્યું ન હતું.’ ક્વાબેનો પ્રતિભાવ ધ્યાનથી સાંભળવા હિન્ડોચા પરિવાર તેમની બેઠકો પર આગળ આવી ગયો હતો.

શ્રીયેન કોર્ટમાં રડવા લાગ્યો

ક્વાબેએ અનીને ઠાર કરાયાની ક્ષણનું વર્ણન કર્યું ત્યારે શ્રીયેન કોર્ટમાં રડવા સાથે ઊંડા શ્વાસ લેવા લાગ્યો હતો. ક્વાબેએ કેસની સુનાવણી કરતા વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટના જજ જેનેટ ટ્રાવર્સોને હત્યા માટે ૧૫,૦૦૦ રેન્ડ (વર્તમાન મૂલ્ય £૮૪૦)ની ફી નિશ્ચિત થયાંનું જણાવ્યું હતું. ક્વાબેને ૨૫ વર્ષ અને મ્નજેનીને આજીવન કેદની સજા કરી છે. બ્રેઈન ટ્યુમરગ્રસ્ત મ્નજેનીએ કોઈ સોદાબાજી કરી નથી અને તેને પ્રોસીક્યુશન સાક્ષી તરીકે જૂબાની માટે બોલાવાય તેવી શક્યતા નથી. જોકે, દેવાણી સાથે શારીરિક સંબંધોનો દાવો કરનારા જર્મન પુરુષ પ્રોસ્ટીટ્યુટ લીઓપોલ્ડ લેઈસર સરકારી સાક્ષીઓની યાદીમાં હોવાની ધારણા છે.

લંડનની ક્લબમાં ગે પાર્લામેન્ટરી સહાયક સાથે મુલાકાત

અનામી પુરુષ પાર્લામેન્ટરી સહાયક સાથે શ્રીયેન દેવાણીના પાંચ વર્ષ સુધી સંબંધો રહ્યા હતા. સાઉથ લંડનના વોક્સહોલની હોઈસ્ટ નાઈટ ક્લબની પાર્ટીમાં બંનેની મુલાકાત ૨૦૦૩માં થઈ હતી. દેવાણીએ ૨૦૧૦માં તે સમલૈંગિક હોવાનો જાહેર ઈનકાર કર્યા પછી આ સંસદીય સહાયકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. કેપ ટાઉન ટ્રાયલમાં સહાયક જૂબાની આપે તેવી શક્યતા છે.

મિડલમેનને હત્યાના પ્લોટની જાણ હતી

અની દેવાણીની હત્યાને અંજામ આપવાનો હવાલો ધરાવતી વ્યક્ત સાથે હત્યારાઓનો પરિચય કરાવનાર મિડલમેન મોન્ડે બોલોમ્બોને હત્યાના પ્લોટની જાણકારી હતી. દેવાણીના ટેક્સી ડ્રાઈવર ટોન્ગોના કહેવાથી બોલોમ્બોએ હત્યારાઓને રીક્રૂટ કર્યા હતા. ડિફેન્સ એડવોકેટ ફ્રાન્કોઈસ વાન ઝીલે રજૂઆત કરી હતી કે બોલોમ્બો માત્ર સંપર્કથી વધુ હતો અને કાવતરું ઘડવામાં સામેલ હતો. તે હત્યારાઓ માટે સર્જિકલ ગ્લોવ્ઝ પણ લાવ્યો હતો, જેથી ફિંગરપ્રિન્ટ આવે નહિ. હત્યારા ઝોલિલે મ્નજેનીની ટ્રાયલમાં જૂબાની આપવાના બદલે બોલોમ્બોને માફી અપાઈ છે. જો આ હત્યામાં તેની સંડોવણી પૂરવાર થાય તો માફી રદ થઈ શકે છે અને તેને લાંબી સજા થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter