શ્રીયેને સજાતીય સંબંધો કબૂલ્યા

જોકે અનીની હત્યાનું ષડયંત્ર ઘડ્યાનું નકાર્યું

Thursday 11th December 2014 10:15 EST
 
 

પ્રોસિક્યુટર એડ્રીઆન મોપે કોર્ટમાં આરોપનામુ વાંચી સંભળાવ્યું ત્યારે શ્રીયેને કોઈ લાગણી દર્શાવી ન હતી. અનીની હત્યા પૂર્વનિયોજિત હોવાનો આક્ષેપ પણ મોપે કર્યો હતો. લાંબા કાનૂની જંગ પછી કોર્ટે  પ્રત્યાર્પણનો આદેશ કરતાં શ્રીયેન આઠ એપ્રિલે બ્રિટનથી દક્ષિણ આફ્રિકા પહોંચ્યો છે. કેસની સુનાવણી ડિસેમ્બર સુધી ચાલે તેવી ધારણા છે.

પાંચેય આરોપો નકાર્યા
બ્રિસ્ટલ નજીક વેસ્ટન-ઓન-ટ્રીમના રહેવાસી અને કેર હોમ માલિક શ્રીયેને પ્રોસિક્યુશન કેસ ઢીલો પાડવાની રણનીતિના ભાગરૂપે તે બાયસેકસ્યુઅલ (સમલૈંગિક) હોવાની કબૂલાત ટ્રાયલના પ્રથમ દિવસે કરી હતી. કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પ્રોસિક્યુશન શ્રીયેન દેવાણીના જાતીય જીવન અને જર્મન પુરુષ પ્રોસ્ટિટ્યૂટ લીઓપોલ્ડ લેઈસ્સર સાથેના સજાતીય સંબંધોની રજૂઆત કરે તેવી શક્યતા છે. પુરુષ પ્રોસ્ટિટ્યૂટે ૨૦૦૩થી ૨૦૦૮ના ગાળામાં બર્મિંગહામ અને લંડનના ઘરે શ્રીયેન સાથે સેક્સ માણ્યાની કબૂલાત યુકે પોલીસ સમક્ષ કરી છે.
નવેમ્બર ૨૦૧૦માં કેપ ટાઉન ખાતે હનીમૂન દરમિયાન પત્ની અનીની હત્યા, અપહરણ અને લૂંટનું કાવતરું, અપહરણ તેમ જ ન્યાયના માર્ગને અવરોધવાના આરોપ શ્રીયેને નકાર્યા હતા. તેણે શાંતિથી કોર્ટ અને જજ જેનેટ ટ્રાવર્સોને સંબોધીને કહ્યું હતું, ‘હું તમામ પાંચ આરોપ નકારું છું’.

પ્રોસિક્યુશનની રણનીતિ
સાઉથ આફ્રિકન પ્રોસિક્યુટરોની મુખ્ય દલીલ શ્રીયેન દેવાણીના સજાતીય સંબંધો વિશેની રહેશે. પરંપરા અને પરિવારના દબાણો સામે ઝૂકી ગયેલા શ્રીયેન દેવાણીએ લગ્ન બંધનમાંથી છૂટકારો મેળવવા પત્નીની હત્યાનું આયોજન કર્યુ હતું તેવી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

જર્મન પુરુષ વેશ્યા અને સજા કરાયેલા હત્યારાને ગુપ્ત પેમેન્ટના મુદ્દા અંગે પ્રોસિક્યુશન ભારપૂર્વક રજૂઆત કરશે. અની દેવાણીના મોતની રાત્રે અને તેના આગલા દિવસોમાં શું બન્યું હતું તે બધી બાબતો શ્રીયેન દેવાણી યુકે પાછો ફરશે કે સાઉથ આફ્રિકન જેલમાં દાયકાઓ વીતાવશે તેનો નિર્ણય કરશે.
ઉલ્લેખનીય છે કે ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોએ શ્રીયેન દેવાણીએ તેની પત્નીની હત્યાનું આયોજન કરવા નાણાં આપ્યા હોવાની કબૂલાત કરી છે. બીજી બાજુ, શ્રીયેને તેનું અને પત્ની અનીનું બંદૂકની અણીએ અપહરણ કરાયું હોવાનો દાવો કરેલો છે. અનીની હત્યા સંબંધે ત્રણ વ્યક્તિને જેલની સજા કરાયેલી જ છે. ડિફેન્સ વકીલ ફ્રાન્કોઈસ વાન ઝીલે વાંચેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીયેન દેવાણી બાયસેક્સ્યુઅલ હોવાનું સ્વીકારે છે, પરંતુ અની હિન્ડોચાને જોતાં જ તે મોહિત થઈ ગયો હતો.

સ્વજનોની હાજરી
અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચા, માતા નીલમ હિન્ડોચા, બહેન અમી ડેન્બોર્ગ, ભાઈ અનિશ હિન્ડોચા અને પિતરાઇ બહેન સ્નેહા મશરુ સ્વીડનથી શ્રીયેન દેવાણીની ટ્રાયલના આરંભે વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં આવી પહોંચ્યા હતા. આ પરિવારને અનીનાં મોતનું રહસ્ય બહાર આવે તેમાં વિશેષ રસ છે. અનીનાં માતા-પિતાએ ૧૯૭૦ના દાયકામાં યુગાન્ડામાંથી હકાલપટ્ટી પછી સ્વીડનમાં આશ્રય મેળવ્યો હતો. સામા પક્ષે શ્રીયેનના માતા સ્નિલા દેવાણી અને પિતા પ્રકાશ દેવાણી પણ કોર્ટમાં હાજર હતા.

અનીએ કારકિર્દી છોડી દીધી
અની હિન્ડોચાની પિતરાઈ અને ગાઢ મિત્ર સ્નેહા મશરુના જણાવ્યા અનુસાર અનીને મન ભારતીય વારસાનું મહત્ત્વ હોવાથી તે નાની વયથી જ ભવ્ય ભારતીય લગ્ન કરવાનું સ્વપ્ન ધરાવતી હતી. તે ગુજરાતી પણ શીખી હતી અને બોલીવૂડ સંગીતની ચાહક હતી. સ્વીડનના સ્ટોકહોમમાં રહેતી અની મિત્રોને મળવા માટે અવારનવાર લંડન જતી હતી. મે ૨૦૦૯માં તેની મુલાકાત બ્રિસ્ટલના ધનિક બિઝનેસમેન શ્રીયેન દેવાણી સાથે થઈ હતી. તેમની વચ્ચે પ્રથમ દૃષ્ટિનો પ્રેમ ન હતો, પરંતુ શ્રીયેને તેનુ દિલ જીતી લીધું હતું. શ્રીયેને વૈભવી સ્ટાઈલમાં અની સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રીયેન તેને ખાનગી વિમાનમાં પેરિસ લઈ ગયો હતો અને તેણે ૨૫ હજાર પાઉન્ડના મૂલ્યની ડાયમન્ડની રિંગ ભેટ આપી હતી. અનીએ લગ્ન કરવા વાર્ષિક ૪૦,૦૦૦ પાઉન્ડનો તગડો પગાર આપતી નોકરીની ઓફર ફગાવી હતી.

અનીએ આશંકા દર્શાવી હતી
અનીની બહેન અમી ડેન્બોર્ગ કહે છે કે તેણે અનીને લગ્ન ન કરવા સમજાવી હોત તો સંભવ છે કે આજે તે જીવતી હોત.
સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં અમી ડેન્બોર્ગે કહ્યું હતું કે ‘લગ્નના ત્રણ મહિના અગાઉ અનીએ એન્ગેજમેન્ટ રિંગ શ્રીયેન દેવાણી સામે ફેંકી હતી. એ સાંજે મેં તેની સાથે ઘણી વાતો કરી હતી. બધું બરાબર ન હોવાની ફરિયાદ તેણે કરી હતી, પરંતુ મેં આ લગ્ન અગાઉનું ટેન્શન હોવાનું માની લીધું હતું. હવે મને લાગે છે કે મારે તેને સગાઈ તોડી નાખવાનું કહેવાં જેવું હતું.’ અનીના માતા નીલમ હિન્ડોચાએ જણાવ્યું હતું કે, ‘અનીએ મને કહ્યું હતું, ‘મારે તમને ઘણું કહેવાનું છે. હું બ્રિસ્ટલ પાછી આવીશ ત્યારે બધું કહીશ.’ મને પણ એવું લાગ્યું હતું કે બધું ઠીકઠાક નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter