લંડનઃ ઈયુ રેફરન્ડમમાં કોને વિજયમાળા વરશે તે હવે ભારે રસાકસીની વાત બની છે. અલગ અલગ પોલ્સના પરિણામ પળે પળે બદલાતા જાય છે. એક સમયે વોટ લીવ કેમ્પ વિજયની દિશામાં આગળ વધતો જણાતો હતો, પરંતુ લેબર સાંસદ જો કોક્સની હત્યા પછી રીમેઈન છાવણી તરફે જુવાળ વધ્યો છે.
બીબીસીના ઈયુ રેફરન્ડમ પોલ ટ્રેકરમાં રીમેઈન છાવણીને ૪૫ ટકા મત અપાયા છે, જ્યારે લીવ છાવણી ૪૨ ટકા મત ધરાવે છે. આમ રીમેઈન કેમ્પ ત્રણ ટકાની સરસાઈ મેળવે છે. જો કોક્સની કરુણ હત્યા પછી શુક્રવાર અને શનિવારે મેઈલ ઓન સન્ડે દ્વારા લેવાયેલાં સર્વેશન પોલમાં રીમેઈન છાવણીને ત્રણ ટકાની સરસાઈ મળી હતી. જોકે, સન્ડે ટાઈમ્સ માટેના યુગવ પોલમાં રીમેઈન કેમ્પને ૪૪ ટકા અને લીવ કેમ્પને ૪૩ ટકા મત મળતા માત્ર એક ટકાની સરસાઈ હાંસલ થઈ હતી. ઓબ્ઝર્વર માટેના ઓપિવિયમ પોલ અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ માટે પોલ્સ ઓફ પોલ્સમાં બ્રિટન ભારે કશ્મકશમાં ફસાયેલું જણાય છે કારણકે બન્ને પક્ષને ૪૪-૪૪ ટકા મત મળ્યા હતા.
જોકે, એક સપ્તાહ અગાઉ ICMના પોલ મુજબ લીવ છાવણી છ ટકાની સરસાઈ ધરાવતી હતી. તાજેતરમાં સન્ડે ટાઈમ્સના પોલ અનુસાર બ્રિટન ઈયુ છોડશે તો પરિસ્થિતિ ખરાબ થશે તેમ માનનારાની સંખ્યા ૩૩ ટકા હતી, જે એક પખવાડિયા અગાઉ માત્ર ૨૩ ટકા હતી. બુકીઝ દ્વારા ગત થોડા મહિનામાં રીમેઈન છાવણીને ભારે સરસાઈ હોવાનું દર્શાવાયું હતું, પરંતુ લીવ છાવણીએ જોર લગાવતા સ્થિતિ બદલાઈ હતી.
હિન્દુ મેટર્સની ઈન બ્રિટનનો પોલ
સામાન્ય ચૂંટણીની માફક ઈયુ રેફરન્ડમમાં પણ વંશીય લઘુમતી સમતુલા બદલવાનો ચમત્કાર દર્શાવશે ખરી તે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. હિન્દુ મેટર્સ ઈન બ્રિટન (HMB) ફેસબૂક https://www.facebook.com/BritishHinduMatters અને વેબસાઈટ www.hindumattersinbritain.co.uk દ્વારા રસપ્રદ ચર્ચા થઈ છે, જેમાં અત્યાર સુધી ૭૮ ટકા લોકોએ બ્રેક્ઝિટની તરફેણમાં અને ૨૨ ટકાએ રીમેઈન તરફે મત આપ્યો છે. HMB ફેસબૂક પોલ સત્તાવાર ન હોવા છતાં આશરે ૮૦૦ લોકોએ પોતાનો મત દર્શાવ્યો હતો.
ગયા મહિને બ્રિટિશ ઈલેક્શન સર્વે (BES)માં જણાયું હતું કે ભારતીય મૂળના બાવન ટકા લોકોએ ઈયુમાં રહેવાની અને ૨૮ ટકાએ ઈયુ છોડવાની તરફેણ કરી હતી, જ્યારે ૧૭ ટકા લોકો અનિર્ણાયક હતા. બ્રિટનમાં આશરે ૧.૨ મિલિયન બારતીયો મત આપવાને લાયક છે અને લીવ અને રીમેઈન છાવણીઓના નેતાઓ તેમને પોતાની તરફ ખેંચવા જોર લગાવી રહ્યા છે. ભારતીય મૂળના રાજકારણીઓ પણ બે છાવણીમાં વહેંચાયા છે. પ્રીતિ પટેલ બ્રેક્ઝિટ છાવણીમાં અગ્રેસર છે, જ્યારે સીમા મલ્હોત્રા, આલોક શર્મા અને શૈલેશ વારા રીમેઈન છાવણીમાં છે.