લંડનઃ મુંબઇની 26 વર્ષીય લેખિકા સંજના ઠાકુરને વર્ષ 2024 માટેના કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝથી સન્માનિત કરાઇ છે. સંજનાને તેમની કૃતિ ઐશ્વર્યા રાય માટે 5000 પાઉન્ડનું રોકડ ઇનામ અપાશે. તેમની આ વાર્તામાં એક જ છત નીચે રહેતી બે માતાની વાત કરવામાં આવી છે જેઓ તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવે છે.
સંજના તેમની કૃતિને મુંબઇની કહાણી ગણાવે છે. સંજના કહે છે કે મેં મારા જીવનના 26 વર્ષમાંથી 10 વર્ષ ભારતની બહાર વીતાવ્યા છે. જ્યુરી પૈકીના એક નોવેલિસ્ટ જેનિફર નાન્સુબાએ જણાવ્યું હતું કે, ઐશ્વર્યા રાય શોર્ટ સ્ટોરીમાં, સંજના ઠાકુર ક્રૂર વક્રોક્તિ, કટાક્ષ, નિંદા અને ચુસ્ત ગદ્ય અને પંક્તિઓ જેવા ફકરાઓમાં સામેલ રમૂજનો ઉપયોગ કરે છે જેથી આધુનિક શહેરી અસ્તિત્વમાં કુટુંબ અને સ્વપણાના વિભાજનનો ખ્યાલ આવી શકે.
સંજના ઠાકુર કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ મેળવનાર ત્રીજા ભારતીય છે. 2020માં કૃતિકા પાંડેને ધ ગ્રેટ ઇન્ડિયન ટી એન્ડ સ્નેક્સ અને 2016માં પરાશર કુલકર્ણીને કાઉ એન્ડ કંપની માટે આ પ્રાઇઝ અપાયાં હતાં.