દુબઈ, લંડનઃ દુબઈની પોલીસે 1.7 બિલિયન ડોલરના ડેનિશ ફ્રોડ કેસમાં 52 વર્ષીય ભારતવંશી બિર્ટિશ શકમંદ હેજ ફંડ ટ્રેડર સંજય શાહની ધરપકડ કરી છે. ડેનમાર્કે માર્ચ મહિનામાં યુએઈ સાથે પ્રત્યર્પણ સંધિ કર્યાના પગલે આ ધરપકડ સંભવ બની હતી. ડેનિસ ઓથોર્ટી ટેક્સ રિફન્ડ કૌભાંડમાં શાહ ઉપરાંત, અન્ય શકમંદોની પણ શોધ ચલાવી રહેલ છે.
ડેનમાર્કના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ફ્રોડ કેસીસમાં એક 1.7 બિલિયન ડોલરની ટેક્સ સ્કીમના સંદર્ભે વોન્ટેડ બ્રિટિશ નાગરિકની ધરપકડ કરાઈ છે અને ડેનમાર્કમાં ખટલો ચલાવી શકાય તે માટે તેનું પ્રત્યર્પણ કરવામાં આવશે તેમ દુબઈ પોલીસે જણાવ્યું છે. દુબઈ પોલીસ બ્રિગેડિયર જનરલ જમાલ અલ-જલાફે જણાવ્યું હતું કે અમિરાતને ડેનમાર્ક તરફથી સંજય શાહ માટે ઈન્ટરનેશનલ ધરપકડ વોરન્ટ મળ્યું હતું.
હેજ ફંડ ટ્રેડર સંજય શાહ વિદેશી કંપનીઓને ડેનિશ કંપનીઓમાં શેર્સની માલિકી ધરાવવાના ઓઠા હેઠળ તેમના માટે ગેરકાયદે ટેક્સ રિફન્ડ ક્લેઈમ કરતો હતો. ‘cum-ex’ તરીકે ઓળખાતા ટ્રેડિંગમાં ઘણા દેશોના ઈન્વેસ્ટર્સ અને બિઝનેસીસ વતી ડેનિશ ટ્રેઝરીમાં હજારો અરજીઓ કરાવાતી હતી અને તેમના વતી ટેક્સ રિફન્ડ ક્લેઈમ કરી લેવાતું હતું. ડેનિશ સત્તાવાળાના જણાવ્યા મુજબ આ સ્કીમ 2012થી શરૂ થઈને ત્રણ વર્ષ સુધી ચાલી હતી.
ગત થોડા વર્ષથી દુબઈમાં રહેતા સંજય શાહે પત્રકારો સાથેના ઈન્ટરવ્યૂઝમાં પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું હતું. પરતું, આક્ષેપોનો સામનો કરવા કદી ડેનમાર્ક હાજર થયો ન હતો. અમિરાતમાં શાહનો કોઈ સ્થાનિક વકીલ છે કે કેમ તે જાણી શકાયું નથી. કોર્ટમાં સુનાવણીની તારીખ નિશ્ચિત થઈ નથી
ડેનમાર્કના જસ્ટિસ અને ફોરેન મંત્રાલયોએ સંયુક્ત નિવેદનમાં દુબઈમાં સંજય શાહની ધરપકડને આવકારી હતી.તેમણે શાહને 2015 પછી દેશના સૌથી મોટા પ્રોસીક્યુશન માટેનું લક્ષ્ય ગણાવ્યો હતો. ડેનિસ ટ્રેઝરી સાથે ભારે છેતરપીંડી થઈ હતી અને શંકાસ્પદ કાવતરાખોરો મિડલ ઈસ્ટમાં છુપાઈ રહે અને ડેનિસ કોર્ટરૂમમાં જવાબદાર બનવાનું ટાળી શકે તે શક્ય ન હતું.