સંજીવ ગુપ્તા ટાટા સ્ટીલના યુકે પ્લાન્ટ્સને ઉગારી શકશે?

Wednesday 06th April 2016 06:50 EDT
 
 

મુંબઈ, લંડનઃ ટાટા સ્ટીલના યુકે સ્થિત બિઝનેસને તાળાં લાગવાની અને ૧૫ હજાર લોકોની જોબ જવાનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે તેને ઉગારવા માટે સહુ કોઇએ લિબર્ટી હાઉસના ૪૪ વર્ષીય સ્થાપક સંજીવ ગુપ્તા તરફ આશાભરી મીટ માંડી છે.
ગુપ્તાએ અત્યાર સુધીમાં યુકેમાં અનેક સ્ટીલ પ્લાન્ટ્સને બચાવવાની સાથોસાથ હજારો કામદારોની રોજગારી બચાવી છે. તેઓ એક દસકાથી જંગી ખોટ કરી રહેલી કંપનીને ઉગારવાનું મુશ્કેલ કાર્ય પાર પાડવા માંગે છે. તેમણે દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીને બચાવવા માટે યુકે સરકાર સાથે વાતચીત શરૂ કર્યાના અહેવાલ છે.
વડા પ્રધાન સહિતના નેતાઓ સક્રિય
૧૦૦ બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતા ટાટા ગ્રૂપની અગ્રણી કંપની ટાટા સ્ટીલે ગયા સપ્તાહે જાહેર કર્યું હતું કે ટાટા સ્ટીલ-યુકેની નાણાકીય પરિસ્થિતિ ૧૨ મહિનાથી કથળી ગઇ હોવાથી તે યુકે પ્લાન્ટ્સ બંધ કરવા સહિતના વિકલ્પોની ચકાસણી કરી રહી છે. યુકે પ્લાન્ટ્સ બંધ પડે તો હજારો લોકો બેકાર બને તેમ હોવાથી વડા પ્રધાન ડેવિડ કેમરન સહિત બ્રિટનની ટોચની નેતાગીરી ટાટા સ્ટીલના સંચાલકો સાથે ચર્ચા કરીને માર્ગ કાઢવા પ્રયત્નશીલ છે. બિઝનેસ સેક્રેટરી સાજીદ જાવિદ બુધવારે મુંબઇમાં ટાટા ગ્રૂપના વડા સાયરસ મિસ્ત્રીને મળવાના છે.
ટાટા સાથે વાત ચાલે છેઃ ગુપ્તા
ગુપ્તાએ જણાવ્યું છે કે, ‘આ બધી બાબતો અમારા માટે આશ્ચર્યજનક છે. ટાટા આવું નાટ્યાત્મક પગલું ભરશે તેવી અપેક્ષા નહોતી. અમે હજુ વિશ્લેષણ નથી કર્યું, પરંતુ અમે તેમાં સક્રિય છીએ. અમે ટાટા સાથે વાતચીત શરૂ કરી છે, પરંતુ તેઓ કઈ પ્રક્રિયાને અનુસરવી તે નક્કી કરી રહ્યા છે. એકાદ સપ્તાહમાં આ બધું સ્પષ્ટ થઈ જશે.’
ગુપ્તાએ ટાટા સ્ટીલમાં રસ દર્શાવ્યો છે, પરંતુ તેમાં કેટલીક શરતો પણ છે. તેઓ મોટા પાયે ટર્નઅરાઉન્ડ યોજના લાગુ કરવા માંગે છે, જેમાં બ્લાસ્ટ ફર્નેસ બંધ કરવામાં આવશે અને સ્થાનિક બજારમાં પેદા થયેલા સ્ક્રેપમાંથી સ્ટીલ ઉત્પાદન કરાશે. આ યોજનામાં એક બિલિયન ડોલરનો ખર્ચ થશે.
૧૯૯૨માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડોર્મ રૂમમાં લિબર્ટીની સ્થાપના કરનાર ગુપ્તાએ કહ્યું કે, ‘હું મોટા પાયે પરિવર્તનની વાત કરું છું. મને પુષ્કળ પ્રમાણમાં રોકાણ, શ્રમના પુન:ગઠનની જરૂર પડશે. તેમાં રોજગારી ઓછી નહીં થાય, પરંતુ પ્રચંડ ફેરફારો કરાશે. શરૂઆતમાં તે પીડાદાયક હશે, પરંતુ લાંબા ગાળે તે ટકાઉ મોડેલ બનશે.’
સ્ટીલ ઉદ્યોગમાં એસકેજી તરીકે જાણીતા ગુપ્તાએ જણાવ્યું કે યુકે વિશ્વમાં સ્ક્રેપ સ્ટીલનું મોટું નિકાસકાર હોવા છતાં યુકે સ્ટીલ પ્લાન્ટ ૧૦૦ ટકા કાચી સામગ્રીની આયાત કરે છે. ટાટા સ્ટીલ યુકેમાં બે ખોટ કરતા પ્લાન્ટ ધરાવે છે.
ગુપ્તાનું લિબર્ટી હાઉસ એશિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપના વિવિધ કોમોડિટી માર્કેટમાં કામ કરે છે. વર્ષ ૨૦૦૦ બાદ તેમણે સ્ટીલ, મેટલ અને કાચી સામગ્રી પર વધારે ધ્યાન આપ્યું છે અને ગ્રૂપના એસેટ બેઝમાં વધારો કર્યો છે. મેન્યુફેક્ચરિંગ એસેટમાં તેમના સતત રોકાણની સાથે ટ્રેડિંગ બિઝનેસમાં વધારો થયો છે. તેમનું જૂથ લંડન, દુબઇ, સિંગાપોર અને હોંગ કોંગમાંથી કામ કરે છે અને વિશ્વમાં ૩૦ દેશોમાં ઓફિસ નેટવર્ક ધરાવે છે. તેમનું કુલ ટર્ન ઓવર પાંચ બિલિયન ડોલર છે અને વાર્ષિક ૩ મિલિયન ટન સ્ટીલની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
ટાટાને વૈશ્વિક મંદી નડી
૨૦૦૭માં તાતા સ્ટીલે એન્ગ્લો ડચ કંપની કોરસને લગભગ રૂ. ૯૪,૦૦૦ કરોડમાં ખરીદી હતી. તે માટે તેણે કરોડો રૂપિયાની લોન પણ લીધી હતી. આ ડિલ થયાના બીજા જ વર્ષે વૈશ્વિક સ્તરે આર્થિક કટોકટી સર્જાઇ, જેની અસર આજે પણ વર્તાઈ રહી છે. તે સમયે ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે રતન ટાટા હતા અને તેમણે બાદમાં કોરસ ખરીદવા અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આ કટોકટીએ ટાટા જૂથની તમામ ગણતરીઓ ઉંધી વાળી દીધી હતી. ડિસેમ્બર ૨૦૧૫ના ક્વાર્ટરની વાત કરીએ તો તેમાં તાતા સ્ટીલ યુરોપને રૂ. ૬૭૫ કરોડનું નુકસાન ગયું હતું. તેની આગળના ક્વાર્ટરમાં રૂ. ૩૬૫ કરોડનું નુકસાન થયું હતું.
પછી ચીનની નિકાસ ભારે પડી
ટાટાને પહેલાં વૈશ્વિક મંદી નડી તો ચીનની નિકાસે પડતા પર પાટુ મારવાનું કામ કર્યું. નિષ્ણાતો કહે છે કે, દુનિયામાં સ્ટીલનું અડધું પ્રોડક્શન ચીન દ્વારા કરવામાં આવે છે. ચીનમાં ઘરેલુ માગ ઘટી રહી છે. તેના કારણે વિશ્વના વિવિધ દેશોમાં સસ્તા ભાવે નિકાસ કરી રહ્યો છે જે નડી રહ્યો છે.

•••

ટાટા સ્ટીલની સમસ્યા
• ૨૦૦૭માં કોમોડિટીમાં તેજી વખતે ટાટા સ્ટીલે કોરસનો બિઝનેસ ખરીદ્યો હતો • નફો કરવા નવ વર્ષ સતત પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળી
• પ્લાન્ટ બંધ થાય તો ૧૫ હજાર કર્મચારીઓની નોકરી જોખમમાં
ગુપ્તાનું લિબર્ટી હાઉસ
• ૫ બિલિયન ડોલરનું કુલ ટર્નઓવર • સ્ટીલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૩૦ લાખ ટન • કંપનીઓ એશિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકા, યુરોપના માર્કેટમાં છે • ૩૦ દેશમાં ઓફિસ • ૨૦૦૦ બાદ સ્ટીલ, મેટલ પર ધ્યાન કેન્દ્રીત કર્યું

•••

...અને ટાટા જૂથે નવ વર્ષથી ચાલતા પ્રયાસો પડતા મૂક્યા

જંગી દેવા બોજ અને નુકસાનથી પરેશાન ટાટા સ્ટીલે બ્રિટનના સ્ટીલ બિઝનેસના વેચાણ અથવા રિસ્ટ્રક્ચરિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટાટા સ્ટીલે કોરસના એક્વિઝિશન વખતે લીધેલા બિઝનેસને થાળે પાડવાના નવ વર્ષના પ્રયાસો પડતા મૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટીલ ઉત્પાદનમાં અંગ્રેજોના પ્રભુત્વને ઘટાડવા જમશેદજી ટાટાએ ટાટા સ્ટીલની સ્થાપના કરી હતી અને એ જ કંપનીએ ૨૦૦૭માં બ્રિટિશ કંપની કોરસ હસ્તગત કરી હતી. ૩૦ માર્ચે સાત કલાકની લાંબી બેઠક પછી ટાટા સ્ટીલે બ્રિટન ખાતેના બિઝનેસને વેચવાનો કે તેનું રિસ્ટ્રક્ચરિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટાટા ગ્રૂપના જણાવ્યા અનુસાર બ્રિટન ખાતેના બિઝનેસની નાણાકીય કામગીરી છેલ્લા ૧૨ મહિનામાં બહુ કથળી છે.
ઊંચો ઉત્પાદનખર્ચ, માગમાં નબળાઈ, આયાતમાં વૃદ્ધિ અને વોલેટાઇલ ચલણના કારણે કંપનીને આગામી સમયમાં બિઝનેસમાં ખાસ સુધારાની શક્યતા જણાતી નથી. જૂથના નિવેદન પ્રમાણે ‘તેણે (ટાટા સ્ટીલના બોર્ડ) યુરોપની હોલ્ડિંગ કંપનીના બોર્ડને પોર્ટફોલિયો રિસ્ટ્રક્ચરિંગના તમામ વિકલ્પ ચકાસવા સલાહ આપી છે. જેમાં ટાટા સ્ટીલ યુકેના સંપૂર્ણ કે તબક્કાવાર વેચાણનો સમાવેશ થાય છે.’
ટાટા સ્ટીલના ડિરેક્ટર કૌશિક ચેટરજીએ જણાવ્યું હતું કે, ‘અમારો પ્રયાસ કામગીરીને કોઈ ફેરફાર વગર ચાલુ રાખવાનો છે, પરંતુ છેલ્લા કેટલાક મહિના અને ત્રિમાસિક ગાળામાં રોકડનો પુષ્કળ વપરાશ થયો છે અને એટલે આ પ્રક્રિયામાં નિર્ધારિત સમયમાં વેચાણ જરૂરી છે. બિઝનેસ અને જોબ્સને ટકાવવાના દરેક વિકલ્પ ચકાસવામાં આવશે.’
ટાટા સ્ટીલે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૨,૧૨૭.૨૩ કરોડની ખોટ કરી હતી. તેનું ચોખ્ખું ઋણ રૂ. ૭૫,૧૧૮ કરોડ છે, જેમાં યુરોપિયન બિઝનેસનું દેવું જ રૂ. ૨૮,૬૦૦ કરોડ છે. ૨૦૦૭માં કોરસના ટેકઓવર પછી ટાટા જૂથે બિઝનેસમાં બે બિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter