લંડનઃ સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તાની GFG Alliance કંપની દ્વારા કથિતપણે રોમાનિયાના સ્ટીલ પ્લાન્ટમાંથી ભંડોળની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું છે. હાઈ કોર્ટના દસ્તાવેજો અનુસાર GFG Alliance દ્વારા કાયદાનો ભંગ કરાયો હોવાનું ફ્રેન્ચ સરકાર માને છે. મુખ્ય ધીરાણકાર ગ્રીનસિલ કેપિટલના પતન પછી GFG ભારે નાણાકીય મુશ્કેલીમાં આવી પડી છે.
સંજીવ ગુપ્તાએ ઉત્તર ફ્રાન્સના ડનકિર્ક ખાતે વિશાળ એલ્યુમિનિયમ સ્મેલ્ટર ફરી પાછી મેળવવાના આખરી પ્રયાસોમાં લંડનમાં કાનૂની કાર્યવાહી આરંભી છે. અગાઉ, યુએસની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ અમેરિકન ઈન્ડસ્ટ્રિયલ પાર્ટનર્સ (AIP) દ્વારા તેને હસ્તગત કરી લેવાઈ હતી. જોકે, ફ્રાન્સના કાનૂની સત્તાવાળા માને છે કે રોમાનિયામાં અલગ સોદાઓમાં ગુપ્તાની કંપનીએ કાયદાઓ તોડ્યા છે. શંકાસ્પદ ફ્રોડ, ઠગાઈના વેપાર અને મની લોન્ડરિંગના મુદ્દાઓ પર GFG યુકેની સીરિયસ ફ્રોડ ઓફિસ (SFO) ની તપાસ હેઠળ છે તો ફ્રેન્ચ પ્રોસીક્યુટર્સ પણ તપાસ ચલાવે છે. જોકે, હજુ સુધી તેના પર કોઈ ચાર્જ લગાવાયા નથી.
ભારતમાં જન્મેલા, કેમ્બ્રિજમાં ભણેલા અને કોમોડિટીઝના વેપારી સંજીવ ગુપ્તાએ યુરોપની સૌથી મોટી સ્મેલ્ટરને ડિસેમ્બર 2018માં રિયો ટિન્ટો પાસેથી ખરીદી હતી. જોકે, તેના કેટલાક દેવાંની ખરીદી પછી AIPએ ઓક્ટોબર 2021માં તેના પર કબજો જમાવ્યો હતો. આ પછી તે કાનૂની વિવાદનું કેન્દ્ર બની ગયેલ છે. ફ્રેન્ચ સરકારની ચેતવણી પછી GFGની એક લોનની પુનઃ ચુકવણી સ્વીકારવા AIP એ ઈનકાર કર્યો છે કારણકે આ નાણા GFG Allianceની રોમાનિયાસ્થિત સ્ટીલ મિલ લિબર્ટી ગાલાટીના ફંડમાંથી ઉચાપતથી આવ્યા હોવાનું ફ્રેન્ચ સરકાર માને છે. AIP એ લોન ચૂકવણીના નાણાના સ્રોત જણાવવા માગણી કરી છે પરંતુ, ગુપ્તાની કંપની દ્વારા આની કોઈ માહિતી અપાઈ નથી.