લંડનઃ સગર્ભા માટે સપ્લીમેન્ટ્સ લેવાનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો છે. પરંતુ, હાવર્ડ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ લેંકેસ્ટરના સહિત આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમના નવા અભ્યાસમાં જણાયું છે કે મલ્ટિવિટામીન્સને લીધે નવથી બાર વર્ષના બાળકની જ્ઞાનક્ષમતામાં એક વર્ષ જેટલો વધારો થાય છે.
ગત વર્ષે થયેલા સંશોધનમાં સૂચવાયું હતું કે ફોલિક એસિડ અને વિટામીન ડી સિવાય કશું પણ લેવું એ નાણાંનો વ્યય કરવા છે. જોકે, નવો અભ્યાસ જણાવે છે કે સગર્ભાવસ્થામાં મલ્ટિવિટામીન લેવાથી બાળકના મગજનો વિકાસ અન્ય બાળકોની સરખામણીમાં વધુ થાય છે. બાળક સેકન્ડરી સ્કૂલમાં જતો થાય ત્યાં સુધીમાં તેના મગજનો વિકાસ અન્ય બાળકોની સરખામણીએ એક વર્ષ જેટલો વધુ થાય છે. વહેલું શિક્ષણ, સુખી માતા અને શિક્ષિત પેરન્ટ્સ આ તમામ સંજોગોને લીધે બાળકો વધુ હોંશિયાર થાય છે. સંશોધનમાં બૌદ્ધિક ક્ષમતા અને શૈક્ષણિક સિદ્ધિ માટે સારો આહાર અને જન્મ સમયના વજન જેવા જૈવિક પરિબળો કરતાં શૈક્ષણિક વાતાવરણ વધુ મહત્ત્વનું જણાયું હતું.